Mysamachar.in:ગાંધીનગર
આપણે ત્યાં ઘણાં લોકો હવે એવું પણ માનવા લાગ્યા છે કે, દવાઓ ખાસ કરીને એલોપથી દવાઓ ખાવાથી વધુ બિમાર પડીએ છીએ અથવા નવી બિમારીઓ લાગુ પડે છે ! લોકોની આ માન્યતા પાયાવિહોણી નથી ! કેમ કે, ફાર્મા ક્ષેત્રમાં અસંખ્ય પ્રકારની ગેરરીતિઓ વર્ષોથી બેફામ ચાલી રહી છે ! તાજેતરમાં છેક ગુજરાત સરકારનાં ધ્યાનમાં આવ્યું કે, ઘણી બધી દવાઓ એવી હોય છે જે લોકોનાં આરોગ્ય માટે જોખમી હોય છે ! આવી દવાઓનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું રહે છે અને ધૂમ પ્રમાણમાં વેચાણ પણ થતું રહે છે ! આ સમગ્ર ગેરરીતિઓમાં તબીબો, આરોગ્ય સતાવાળાઓ અને મેડિકલ સ્ટોર્સ સંચાલકોની ભૂમિકા પણ ભૂંડી હોય છે !
ગુજરાત સરકારે આ પ્રકારની 394 દવાઓ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. આ પૈકી કેટલીક દવાઓ અતિ જૂની પદ્ધતિઓ મુજબ પણ બનાવવામાં આવતી હતી. આવી દવાઓ રોગ પર અસરો કરતી હોતી નથી. દર્દીઓનાં આરોગ્ય પર આડઅસરો કરતી હોય છે ! દુઃખાવો, તાવ, શરદી અને ઉધરસ સહિતના સામાન્ય રોગો માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓમાં આ પ્રકારની ‘જોખમી’ દવાઓનું પુષ્કળ પ્રમાણ હોય છે !
ગુજરાતમાં હજારો દવા ઉત્પાદકો છે. લાખો પ્રકારની દવાઓ બને છે. કરોડો રૂપિયાનો કારોબાર છે. બીજી બાજુ, આ સમગ્ર ક્ષેત્ર પર દેખરેખ રાખનાર સરકારનું તંત્ર લબાડ સ્થિતિમાં છે ! પૂરતાં અધિકારીઓ, કર્મચારીઓ અને વાહનો તથા સાધનો આ વિભાગને ફાળવવામાં આવ્યા નથી ! ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં ચાલે છે એ રીતે આ ક્ષેત્રમાં પણ ભ્રષ્ટાચારની બોલબાલા છે ! સરવાળે, આ બધી બાબતો અંતે સામાન્ય નાગરિક માટે જોખમી પૂરવાર થતી રહે છે ! ગુજરાતનાં ફાર્મા સેકટરને ગ્રાહકલક્ષી અને કલ્યાણકારી બનાવવા તરફ કયારે ધ્યાન આપવામાં આવશે ?! આ પ્રશ્ન જાણકારો પૂછી રહ્યા છે.