Mysamachar.in:ગાંધીનગર
સમૃદ્ધ અને વિકસિત ગુજરાતમાં આરોગ્ય સંબંધી મુદ્દાઓ અને કુપોષણનો પ્રભાવ – હંમેશા ચર્ચાતા મુદ્દાઓ રહ્યા હોય, સંબંધિત વિભાગોની કામગીરી અવારનવાર સ્કેનર હેઠળ આવી જાય છે. આવું વધુ એક વખત બન્યું છે ! ચિંતન શિબિરમાં કયા મુદ્દાઓ પર ચર્ચાઓ થશે ?! અને, આ મુદ્દાઓ અંગે જે ટૂંકી નોંધ જાહેર થઈ છે, તે ચિંતાજનક હોવાનું જાણવા મળે છે !રાજય સરકાર આયોજિત ચિંતનશિબિરનો એજન્ડા દર્શાવે છે કે, આ શિબિરમાં કુપોષણનો મુદ્દો ચર્ચામાં આવશે. આ ક્ષેત્રમાં સ્થિતિ ચિંતાજનક છે ! પાછલાં આઠ વર્ષ દરમિયાન કુપોષણ સામેની લડાઇમાં રાજ્યમાં સારાં પરિણામો મેળવી શકાયા નથી ! સરકારનાં ખુદનાં વિભાગો આમ કબૂલી ચૂક્યા હોય, મામલો કેટલો ગંભીર હોય શકે ? તે સમજી શકાય છે. આ વિપક્ષનો આક્ષેપ નથી.
એમ કહેવાયું છે કે – ગુજરાતમાં 2015 પછી કુપોષણ અને એનિમિયાની વરવી હકીકતમાં સુધારો નોંધાયો નથી. ICDS વિભાગની અને કિશોરીઓ માટેની યોજનાઓ નિષ્ફળ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે ! નેશનલ હેલ્થ ફેમિલી સર્વેનાં પાંચમા રાઉન્ડનો રિપોર્ટ કહે છે : રાજ્યમાં કુપોષણનું ચિત્ર 2015 પછી એમનું એમ છે. રાજ્યમાં પાંચ વર્ષની વય સુધીનાં બાળકો પૈકીનાં 80 ટકા બાળકો એનિમેયાક એટલે કે લોહીની ઉણપ ધરાવે છે !આ સર્વેમાં જાણવા મળ્યું છે કે, પાંચ વર્ષની વય સુધીનાં બાળકો પૈકી 39 ટકા બાળકો સ્ટન્ટેડ એટલે કે ઉંમરની સરખામણીમાં ઓછી ઉંચાઈ ધરાવે છે. 25 ટકા બાળકો વેસ્ટેડ એટલે કે ઉંમરની સરખામણીમાં ઓછાં વિકાસવાળા અને 40 ટકા બાળકો ઉંમરની તુલનામાં ઓછાં વજનવાળા છે. કિશોર વયની 69 ટકા છોકરીઓ લોહીની ઉણપ ધરાવે છે. અને 18-19 વર્ષની પરણિત યુવતીઓ પૈકી 77 ટકા યુવતીઓ લોહીની ખામીઓથી પિડાય છે !
રાજ્યમાં કુપોષણનું સ્તર પાછલાં આઠ વર્ષ દરમિયાન ચિંતાજનક રહ્યું છે તેનો સીધો મતલબ એ થયો કે, સંકલિત બાળવિકાસ યોજના ICDS તંત્ર દ્વારા 6 મહિનાથી 6 વર્ષ સુધીની વય ધરાવતા બાળકો માટે ચાલતી ભોજન, દૂધ સંજીવની યોજના, રસીકરણ યોજના તથા કિશોરીઓમાં કુપોષણ ઘટાડવા માટેની ‘ પૂર્ણા ‘ યોજના સહિતની યોજનાઓનો અમલ યોગ્ય રીતે થઈ રહ્યો નથી. ચિંતનશિબિરમાં આ અંગે ગંભીર મંથન થશે, અને જરૂરી નિર્ણયો લેવામાં આવશે જેથી આગામી પાંચ વર્ષ દરમિયાન આ વરવી હકીકતમાં સુધારો લાવી શકાય.
આ ઉપરાંત અન્ય એક ચિંતાનો વિષય એ છે કે, રાજ્યમાં આરોગ્ય વિભાગમાં વિવિધ સંવર્ગની હજારો જગ્યાઓ ખાલી છે. જેની માઠી અસરો જોવા મળી રહી છે. ચિંતનશિબિરમાં આ મુદ્દા પર પણ ચર્ચા થશે. તબીબો, સુપર સ્પેશિયાલિસ્ટ તબીબો, પેરામેડિકલ તથા ટેકનિકલ વિભાગોમાં સંખ્યાબંધ જગ્યાઓ ખાલી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર છે. લોકો હાલાકી વેઠી રહ્યા છે. ચિંતનશિબિરમાં આ વિભાગમાં પૂરતાં વર્કફોર્સની વ્યવસ્થા કરવા અંગે ચિંતન થશે.
રાજય સરકાર કબૂલે છે કે….
ખુદ સરકાર કબૂલ કરી રહી છે કે, નવજાત શિશુઓના મોતનો દર, માતા મૃત્યુ દર – આ ક્ષેત્રમાં અન્ય વિકસિત રાજયોની સાપેક્ષે આપણાં રાજ્યનો દેખાવ ઉત્સાહપ્રેરક નથી ! તેથી આગામી પાંચ વર્ષ દરમિયાન બાળ મૃત્યુદર 12 ટકા સુધી નીચો ઉતારવા તથા માતા મૃત્યુદર 20 ટકા સુધી નીચો લઈ જવા ચિંતનશિબિરમાં ચિંતન પણ થશે અને નિર્ણયો પણ લેવામાં આવશે એમ જાણવા મળે છે.