Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં આપણે સૌ જાણીએ છીએ કે, માણસની જિંદગી સાથે અને આરોગ્ય સાથે ગાઢ રીતે સંકળાયેલા ડ્રગ્સ અને કોસ્મેટિક એકટમાં ફેરફારો આવશ્યક છે, કેમ કે – આ એકટ હેઠળ રચાયેલું તંત્ર ફૂડસ અને ડ્રગ્સ ખાસ અસરકારક નથી ! આ તંત્ર માત્ર નામનું જ છે, જેને મલાઈ જમવા સિવાયની કોઈ કામગીરીઓમાં રસ ન હોવાનું વર્ષોથી દેખાઈ રહ્યું છે. અને, ખુદ સરકાર પણ આ તંત્રને ટનાટન બનાવવાની જાણે કે રાજકીય ઈચ્છાશક્તિ ધરાવતું નથી એવું અત્યાર સુધીનાં અનુભવો પરથી સમજાઈ રહ્યું છે !
જામનગરની જ વાત કરીએ તો, આ તંત્રની કચેરી દરબારગઢ સર્કલ ખાતે છે જેમાં ભાગ્યે જ કોઈ અધિકારી હાજર હોય છે ! કરાર આધારિત કર્મચારીઓ કાં તો ફાઈલો ચિતરતા હોય છે અથવા મોબાઇલ પર રમતાં હોય છે ! આખા જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ્સની કામગીરી રામભરોસે ! આ કચેરી વર્ષ દરમિયાન શું કામગીરી અને કાર્યવાહી કરે છે તે અંગે તંત્ર ક્યારેય કશું બોલતું નથી અને તંત્રને આ અંગે પૂછવામાં આવે ત્યારે તેઓ મૂંગા રહેવાનું વધુ પસંદ કરે છે ! બીજી તરફ, તેઓ અન્ય કામો માટે સંબંધિત વ્યવસાયિક એકમોની નિયમિત મુલાકાત લેતાં હોવાનું પણ આધારભૂત સૂત્રો જણાવે છે !
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આઝાદી પહેલાંનાં ડ્રગ્સ અને કોસ્મેટિક એકટ હેઠળ રચાયેલો વિભાગ છે. કેન્દ્ર સરકાર હવે, 1940 માં બનેલાં આ એકટમાં ફેરફાર કરશે એવું દેખાઈ રહ્યું છે. આ એકટની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ગુજરાતનાં બે નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ડ્રગ્સ અને કોસ્મેટિક એકટ અંગ્રેજોએ આઝાદી પહેલાં 1940 માં બનાવેલો. બાદમાં 1945 માં આ એક્ટ હેઠળ નિયમો બનાવવામાં આવ્યા હતાં. અને, આ એક્ટ હાલ ફાર્મસી એકટ- 1948 તરીકે જાણીતો છે. આઝાદીનાં આટલાં વર્ષો પછી હવે પ્રથમ વખત આ એકટની સમીક્ષા થશે ! આ માટે કેન્દ્ર સરકારે એક હાઈપાવર કમિટીની રચના કરી છે. જેમાં કુલ 16 સભ્યો છે, જે પૈકી એક સભ્ય ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીનાં પૂર્વ કુલપતિ શેઠ અને મહેસાણા ફાર્મસી કોલેજનાં આચાર્ય પટેલનો બીજા સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સમિતિ કાઉન્સિલના રિસ્ટ્રકચરિંગ તથા ફાર્મસી એજ્યુકેશનમાં સુધારાઓ સૂચવશે. અત્રે નોંધનીય છે કે, આ એકટ હેઠળ ફાર્મસી શિક્ષણ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની મહત્વની બાબતો નકકી થાય છે. આપણે સૌ આશા અને અપેક્ષા રાખીએ કે, આ કમિટી માત્ર ફાર્મસી શિક્ષણ પર જ ધ્યાન ન આપે, સાથે સાથે આ એકટને લોકોની સુખાકારીનાં સંદર્ભમાં પણ અસરકારકતા બક્ષે અને સરકારે પણ હવે સાથેસાથે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને પરિણામલક્ષી અને પ્રજા કલ્યાણકારી બનાવવા જરૂરી પગલાંઓ લેવા જોઈએ, એવી સૌ સંબંધિતોને સ્વાભાવિક અપેક્ષાઓ છે. આ બધી અપેક્ષાઓ ફળશે ? કે, આ સમિતિ માત્ર સરકારી બનીને કાગળોમાં જ કેદ રહેશે ?! એ પ્રશ્નોનાં જવાબો આગામી સમયમાં મળી જશે.