Mysamachar.in:ગાંધીનગર
કેટલાંક IPS અધિકારીઓ અલગ પ્રકારની બુદ્ધિ ધરાવતાં હોય છે અને ચોક્કસ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી પણ ધરાવતાં હોય છે, આવાં અધિકારીઓ પોતાની બદલી એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં થાય ત્યારે, કેટલાંક ખાસ પોલીસ અધિકારીઓને તથા પોલીસકર્મીઓને પોતાની સાથે ‘આંગળી’ પકડાવીને નવા જિલ્લામાં લઈ જતાં હોય છે ! આવાં ‘આંગળિયાત’ ધરાવતાં અધિકારીઓ પર ગૃહમંત્રાલયની નજર છે. આ પ્રકારના IPS અધિકારીઓએ હવે બદલીનાં સ્થળે માનીતાઓની ગેરહાજરીમાં વહીવટ ગોઠવવો પડશે. તેઓ વ્હાલાદવલાની નીતિ હવે નહીં ચલાવી શકે.
કેમ કે, અત્યંત આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલય આ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી ધરાવતાં IPS અધિકારીઓની યાદી બનાવી ચૂક્યું છે. બદલીઓ વખતે કયા કયા IPS આ પ્રકારની ટ્રીકનો ઉપયોગ કરે છે અને કોને કોને, ક્યાં સાથે લઈ ગયા છે ? તેની સંપૂર્ણ માહિતી ગૃહમંત્રાલયે એકત્ર કરી લીધી હોવાનું જાણવા મળે છે.
ગૃહમંત્રાલયે એક અવલોકનમાં નોંધ્યું છે કે, આ પ્રકારના કેટલાંક IPS પોતાની બદલી વખતે PI, PSI કક્ષાના અધિકારીઓ તથા કેટલાંક પોલીસકર્મીઓને પોતાની સાથે બદલીનાં શહેર અથવા જિલ્લામાં લઈ જાય છે ! આ અવલોકનના આધારે હવે ગૃહમંત્રાલય બદલીઓ વખતે જુદી રીતે આગળ વધશે, એમ માનવામાં આવે છે. અત્રે એ પણ નોંધનીય છે કે, આ પ્રકારના માનીતાઓની મદદથી ઘણાં અશકય દેખાતાં કામો પણ થઈ શકતાં હોય છે.
અને, ઘણાં કિસ્સાઓમાં બાહોશ IPS ચોક્કસ પ્રકારની ટીમ સાથે ઓપરેશનો પાર પાડવાની સ્ટાઈલ ધરાવતાં હોય છે. આ પ્રકારના કયા IPS કોને, ક્યાં સાથે લઈ જઈ રહ્યા છે, તેની સંપૂર્ણ વિગતો મંત્રાલય દ્વારા એકત્ર કરવામાં આવી છે. એવું લાગે છે કે, આગામી દિવસોમાં ગુજરાત પોલીસમાં આ પ્રકારની વ્હાલા દવલાની નીતિ ચાલી શકશે નહીં. IPS અધિકારીઓએ પોતાની સ્ટાઈલમાં ફેરફારો લાવવા પડશે, એવું સમજાઈ રહ્યું છે.