Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતનાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સંસદીય કાર્યવાહીઓ અંગે માહિતગાર કરવા માટે, બુધવારે તથા કાલે ગુરુવારે એમ બે દિવસ માટે ગાંધીનગર ખાતે સંસદીય કાર્યશાળા(વર્કશોપ) યોજવામાં આવી હતી. જેમાં લોકસભા અધ્યક્ષ તથા વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત નિષ્ણાંતોએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતાં. આ વર્કશોપનાં પ્રથમ દિવસે લોકસભા અધ્યક્ષે ધારાસભ્યોને વધુ જવાબદાર બનવા કહેલું. લોકો સાથે જોડાયેલા રહેવા તથા લોકોની ભાવનાઓ સમજવા પણ ટકોર કરી હતી. વર્કશોપનાં બીજા અને અંતિમ દિવસે કાલે ગુરુવારે વિધાનસભા અધ્યક્ષે નવા ધારાસભ્યોને સંબોધન કર્યું હતું.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઉદબોધન કરતાં કહ્યું હતું કે, ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યો દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે પ્રશ્નો ધારાસભ્યોએ ખુદે ઉઠાવેલા હોવા જોઈએ.
આ પ્રશ્નો માટે રાજકીય પક્ષો દ્વારા કોરા કાગળમાં સહીઓ કરાવવાની જે પ્રથા છે તે દૂર થવી જોઈએ. આ ઉપરાંત તેઓએ શાસકપક્ષના સભ્યોને પણ કેટલીક સલાહો આપી હતી. તેઓએ કહ્યું : મંત્રીઓ દ્વારા ગૃહમાં જવાબો આપતી વખતે નિયમો અને બજેટ જોગવાઈઓ વગેરે યાદ રાખવા જોઈએ. કારણ કે, મંત્રીઓ દ્વારા ગૃહમાં અપાતાં જવાબો એક અર્થમાં સરકાર દ્વારા અપાતી ખાતરીઓ અને વચનો હોય છે. જેનું સરકાર સ્તરે પાલન આવશ્યક હોય, આ અંગે અધિકારીઓએ જવાબદારીઓ નિભાવવી જરૂરી છે. અને, એમાં જયારે અધિકારીઓ દ્વારા ઢીલાશ વર્તવામાં આવે ત્યારે તેવાં કિસ્સાઓમાં કાર્યવાહી થવી જોઇએ.
આ ઉપરાંત બે દિવસીય તાલીમ શિબિરના સમાપન સંબોધનમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, સૌ ધારાસભ્યો પક્ષાપક્ષીથી પર રહી નાગરિક નિસ્બતનાં પ્રશ્નો પૂછે. તેઓએ એમ પણ કહ્યું કે, અહીં ગૃહમાં સભ્યોનાં વ્યવહાર, વર્તન, પ્રશ્નો અને સમસ્યાઓની ચર્ચામાં સહભાગી થવાની સભ્યોની રીતભાત વગેરે પર ગુજરાતની જનતાની નજર રહેતી હોય છે. અંતમાં તેઓએ કહ્યું: લોકશાહી અને સંસદીય પ્રણાલીના ઈતિહાસમાં વિધાનસભાની ગરિમા વધુ ઉન્નત બને તે આપણું સૌનું કર્તવ્ય છે અને વિધાનસભા કાર્યવાહીઓમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની દિશામાં આપણે સૌ આગળ વધીએ.