Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકારે જાહેરાત કરી દીધી છે કે, જંત્રીના દરોમાં વધારો 15 એપ્રિલથી અમલી બનાવવામાં આવશે તેની સાથે જ જાણવા મળે છે કે, આગામી દિવસોમાં સરકાર સ્ટેમ્પ ડયુટી તથા નોંધણી ફીમાં ઘટાડો જાહેર કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે, આ માટે એક દરખાસ્ત તૈયાર કરવામાં આવી રહી છે. જે બજેટસત્રમાં ગૃહમાં લાવવામાં આવશે.
સચિવાલય તેમજ બજેટ તૈયારીઓ સાથે સંકળાયેલા સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આગામી બજેટસત્રમાં સરકાર એક ફાઈનાન્સ બિલ લાવવા તૈયારી કરી રહી છે. આ ફાઈનાન્સ બિલનાં માધ્યમથી સરકાર મિલકત દસ્તાવેજોની નોંધણી ફી ઘટાડી શકે છે અને સાથે સાથે સ્ટેમ્પ ડયુટી પણ ઘટાડી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ જંત્રી મુજબ 4.9 ટકા સ્ટેમ્પ ડયુટી તથા એક ટકો નોંધણી ફી વસૂલવામાં આવે છે. અગાઉ બિલ્ડરોએ માંગ કરેલી કે, સ્ટેમ્પ ડયુટી પચાસ ટકા ઘટાડવામાં આવે.
જો કે આ પ્રકારના ઘટાડા અંગે સરકારે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી પરંતુ બજેટ તૈયારીઓ સાથે સંકળાયેલા સૂત્રો કહે છે, સરકાર આ માટે દરખાસ્ત તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. અને, આ દરખાસ્ત તૈયાર થયે ઘટાડો નિશ્ચિત હોવાનું માનવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું છે કે, જંત્રીના દરો બમણાં કરવામાં આવ્યા છે તેને કારણે રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં જે અસરો થનાર છે તેને કાઉન્ટર કરવા માટે સરકારે આ દરખાસ્ત તૈયાર કરાવવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું સમજાઈ રહ્યું છે. જંત્રીનો બમણો દર મકાન તથા જમીનો ખરીદનારાઓ પર મોટી અસરો પેદાં કરશે એ પણ નિશ્ચિત છે જ.
અત્રે એ પણ નોંધનીય છે કે, 2021 ની સરખામણીએ 2022માં સરકારની સ્ટેમ્પ ડયુટીની આવકમાં 19 ટકાનો તંદુરસ્ત વધારો જોવા મળ્યો છે. અને, જંત્રીના દરો બમણાં થનાર હોય, સરકારની આ આવકમાં, સ્ટેમ્પ ડયુટી ઘટાડયા પછી પણ મોટો તફાવત નહીં રહે. 2021માં સમગ્ર રાજ્યમાં 14,29,607 મિલ્કત દસ્તાવેજ નોંધાયા હતાં. તેની સામે 2022માં મિલ્કતો ની નોંધણી વધી હતી અને કુલ 15,97,188 દસ્તાવેજો બન્યા હતાં. જે લગભગ 11ટકા જેટલો ઉછાળો દર્શાવે છે.