Mysamachar.in:ગાંધીનગર
આવતાં મહિને માર્ચ મહિનામાં ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે. એ પહેલાં પરીક્ષા બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ નિર્ણય પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જે અંગેનાં પરિપત્રમાં બોર્ડે જણાવ્યું છે કે, આગામી માર્ચ મહિનામાં બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આ પરીક્ષાઓનાં સમયે રાજ્યભરમાં કોઈ પણ પરીક્ષાકેન્દ્રમાં, બોર્ડપરીક્ષા જે શૈક્ષણિક સંસ્થાની ઈમારતમાં લેવામાં આવી રહી હોય, એ શૈક્ષણિક સંસ્થાનાં સંચાલકો અથવા ટ્રસ્ટીઓ હાજર રહી શકશે નહીં. આમ છતાં જો કોઈ પરીક્ષાકેન્દ્રમાં તે સંસ્થાના સંચાલક કે ટ્રસ્ટીની હાજરી માલૂમ પડશે તો, તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોર્ડ પરીક્ષાઓ દરમિયાન અત્યાર સુધી આ સંચાલકો અને ટ્રસ્ટીઓ પરીક્ષા કેન્દ્રોમાં આવ-જા કરી શકતાં હતાં. કેટલાંક સંચાલકો અને ટ્રસ્ટીઓ પરીક્ષા સમયે કેન્દ્રોમાં હાજર રહેતાં હતાં. હવેથી તેઓ તેમ કરી શકશે નહીં. બોર્ડે પરિપત્રમાં જણાવ્યું છે કે, બોર્ડ પરીક્ષાઓ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓનાં આચાર્યો, શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને જ પરીક્ષા કામગીરી સોંપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓનાં ટ્રસ્ટીઓ અને સંચાલકોને પરીક્ષા કામગીરી સોંપવામાં આવતી નથી. તેથી તેઓ ત્યાં હાજર રહી શકશે નહીં. આ ઉપરાંત એ પણ નોંધનીય છે કે, બોર્ડ પરીક્ષાઓ દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓનાં ટ્રસ્ટીઓ અને સંચાલકોની પરીક્ષાકેન્દ્રોમાં હાજરીને કારણે પરીક્ષાઓમાં ગેરરીતિઓ થતી હોવાની ઘણી ફરિયાદો અને રજૂઆતો બોર્ડને મળી હતી !
અને, આવાં કિસ્સાઓમાં પરીક્ષા સુપરવાઈઝરની સ્થિતિ કફોડી થતી હતી, તેઓ સંચાલકો અને ટ્રસ્ટીઓને કશું કહી શકતાં ન હતાં ! અને, પરીક્ષામાં ગેરરીતિઓ પણ અટકાવી શકતાં ન હતાં. આ પ્રકારની રજૂઆતો ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય કર્યો છે અને એ રીતે બોર્ડે પરીક્ષાઓ મુક્ત વાતાવરણમાં યોજવા અંગેની બોર્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 14 માર્ચથી 29 માર્ચ દરમિયાન બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. જે અનુસંધાને હાલ બોર્ડ દ્વારા પરીક્ષાઓ પારદર્શી વાતાવરણમાં યોજવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેનાં ભાગરૂપે બોર્ડ દ્વારા ઉપરોક્ત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે રાજ્યના શૈક્ષણિક જગતમાં વ્યાપક ચર્ચાઓ શરૂ થઈ છે.