Mysamachar.in:ગાંધીનગર
રાજ્યની ખખડધજ એસ.ટી બસોમાંથી કેટલીક બસોને વિદાય આપી અને તેના સ્થાને નવી આધુનિક બસોનો આજે ઉમેરો થયો છે.આજે 151 બસોને મુખ્યમંત્રી અને વાહનવ્યવહાર મંત્રી એ લીલીઝંડી આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે ગુજરાત એસ.ટી.ની નવી 151 બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી 151 બસમાં 40 સ્લીપર કોચ અને 111 લક્ઝરી બસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કમ્પ્યુટર બેઝ્ડ ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો. આ સિસ્ટમ થકી મુસાફરો પુછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના રુટ, બસ નંબર, સ્ટોપેજ અને પ્લેટફોર્મની જાણકારી મેળવી શકશે.
મુખ્યમંત્રીએ લોકાર્પણ કરેલ બસની વિશેષતાની વાત કરીએ તો સ્લીપર કોચમાં મુસાફરોને આરામદાયક સુવિધા માટે 30 પુશબેક અને 15 સ્લીપર સીટ, જ્યારે લક્ઝરીમાં 41 મુસાફરો માટે 2 બાય 2 પુશબેક સીટની સુવિધા, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેનીક બટન, રિવર્સ પાર્કિંગ સેન્સર, બે ફાયર એકસ્ટીંગ્યૂશર, એક ઈમરજન્સી ડોર અને એક ઈમરજન્સી વિન્ડોની વિશેષ સુવિધા રાખવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત એસટી નિગમને કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણ પ્રિય યાતાયાત સુવિધા લોકોને પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસટીની 274 સ્લીપર કોચ, 1193 સેમી લક્ઝરી અને 5296 સુપર ડિલક્સ સુપર અને 1203 મીની બસ સહીત 7966ના કાફલા સાથે રાજ્યની જનતા જનાર્દનની સેવા માટે કાર્યરત છે.