Mysamachar.in:ગાંધીનગર
રાજ્યની સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓ પોતે કચેરીઓમાં હાજર હોય કે ના હોય પણ લાઈટ પંખા અને એસી ચાલુ હોવાના કેટલાય કિસ્સાઓ સામે આવ્યા છે, અને ના માત્ર સરકારી બાબુઓ પણ પદાધિકારીઓ પણ વીજળીનો દુર્વ્યય કરતા હોવાના મામલાઓ સામે આવતા રહે છે તેવામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીજળી બચાવવા પહેલ કરી છે અને મંત્રીઓને પણ આ અંગે અનુરોધ કર્યો છે, ત્યારે રાજ્યના બાબુઓ મુખ્યમંત્રીની વાતને કેટલી ગંભીરતાથી લે છે તે જોવું મહત્વનું બની રહેશે.
વીજળી બચાવવા CM ભૂપેન્દ્ર પટેલે અનુકરણીય પહેલ કરી છે. સૌથી વધુ વીજળીનો બગાડ સરકારી ઓફિસોમા જ થાય છે. અહી કારણવગર લાઈટો ચાલુ હોય છે, અને બંધ કરવાની તસ્દી કોઈ લેતુ નથી. ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વીજળી બચાવવા પોતાના મંત્રીઓને લેસન આપ્યું છે. તેઓએ અજવાળું હોય ત્યાં સુધી સરકારી ઓફિસમાં લાઈટ શરૂ નહી કરવાનો નિર્ણય લીધો છે.
ખુદ મુખ્યમંત્રીને ધ્યાનમાં આવ્યુ કે, સરકારી ઓફિસમાં બિનજરૂરી લાઈટ ચાલુ રહેતી હોય છે. તેમજ તે સમયસર બંધ પણ થતી નથી. તેથી મુખ્યમંત્રીએ પોતાના ઓફિસથી જ વીજળી બચાવવાની પહેલ કરી છે. ત્યારે હવેથી મુખ્યમંત્રી કાર્યાલયમાં વીજળીની બચત થાય તે માટે જ્યાં સુધી ઓફિસ અને કાર્યાલયમાં અજવાળું હોય એટલે કે કુદરતી પ્રકાશ આવતો હોય ત્યાં સુધી લાઇટ ચાલુ ન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
જો, ગુજરાતના તમામ સરકારી ઓફિસોમાં આ રીતે વીજળી બચાવવામાં આવે તો સરકારના કરોડો રૂપિયા બચાવી શકાય છે. સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીએ આ વાત કરી એટલે આ સમગ્ર રાજ્યને લાગુ પડે છે ત્યારે જોઈએ સરકારી કચેરીઓમાં આગામી દિવસોમાં આ વાતની કેટલી અમલવારી થાય છે કે પછી શેઠની શિખામણ ઝાંપા સુધી..?