Mysamachar.in:ગાંધીનગર
રાજ્યમાં થોડા દિવસ પહેલા 48 કલાક દરમિયાન 14 જિલ્લાના 50 તાલુકાઓમા અને ખાસ કરીને ઉતર ગુજરાતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. કડકડતી ઠંડી વચ્ચે પડેલા માવઠામાં રાજ્યમાં 1 મી.મી. થી 28 મી.મી. સુધીનો કમોસમી વરસાદ નોંધાયો હતો. જેમાં રવી પાકને નુકશાની થઈ હોવાની શક્યતા પગલે રાજ્યના કૃષિ વિભાગે સર્વે કરવા આદેશ આપ્યો હતો. ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે. અને આ સર્વેનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. પરંતું સર્વેના રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં કમોસમી વરસાદના કારણે પાકને નુકશાની ન પહોંચી હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ થયો હોવાનું સામે આવ્યું છે.
સર્વેની કામગીરીનો રિપોર્ટ કૃષિ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને કોઈ નુકસાન ના થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેથી ખેડૂતોને માવઠાથી નુકસાન ના થયું હોવાથી વળતર નહીં ચૂકવાય.કૃષિ વિભાગના રિપોર્ટ પ્રમાણે જો નુકસાન થયુ જ નથી તો પછી વળતર કેવું…?
-કોંગી નેતા પાલ આંબલીયાએ કહ્યું કે…
આ રીપોર્ટ અંગે કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે, એક ખેડૂત તરીકે મને એટલી ખબર પડે છે, અત્યારે ખેડૂતોએ મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર કર્યું છે, જો જીરામાં જરાક ઝાકળ પડે તો પણ જીરું ખતમ થઈ જાય છે. આતો ઝાકળની જગ્યાએ કમોસમી વરસાદ પડ્યો છે. સરકારનો સર્વે એમ કહે છે કે કમોસમી વરસાદના કારણે નુકસાન નથી થયું તો આ કેવી રીતે માની લેવું? 156 સીટો જીત્ય બાદ ખેડૂતોને કાઈ ના આપવાનો સરકારનો ઈરાદો આ બાબત સ્પષ્ટ કરે છે.