Mysamachar.in:ગાંધીનગર
આપણે સૌ જાણીએ છીએ કે, કોઈ પણ TP સ્કીમમાં કપાત પછીનાં ફાઈનલ પ્લોટનાં ક્ષેત્રફળનું મહેસૂલ રેકર્ડ ઉપલબ્ધ થવામાં વિવિધ પ્રકારના વિલંબ થાય છે. જેને કારણે જમીનનાં મૂળ માલિકો, ખરીદનાર, અંતિમ વપરાશકારો તથા સંબંધિત સત્તામંડળો પરેશાન થતાં હોય છે. આ પ્રકારની સમસ્યાઓ પાલિકાઓમાં, મહાપાલિકાઓમાં તથા સત્તામંડળોમાં જોવા મળી રહી છે. આ સમસ્યાઓ નિવારવા સરકારે ગાંધીનગર વિસ્તાર વિકાસ સત્તામંડળથી પાયલોટ પ્રોજેક્ટનો આરંભ કર્યો છે.
ગુજરાત સરકારે આ સ્થિતિ નિવારવા ટીપી સ્કીમમાં કપાત પછીનો જે ફાઈનલ પ્લોટ હોય તેનાં ક્ષેત્રફળની નોંધ મહેસૂલી રેકર્ડમાં ઝડપથી થઇ શકે તે માટે નમૂના નંબર સાતમાં તત્કાળ નોંધ કરવાની અને તેનાં આધારે જનરેટ થતાં પ્રોપર્ટીકાર્ડની સમગ્ર વહીવટી પ્રક્રિયા કોમ્પ્યુટરાઈઝડ કરવાનો નિર્ણય લીધો છે અને તેનો પ્રારંભ ગાંધીનગરથી શરૂ કરવામાં આવ્યો છે. મહેસુલ વિભાગનાં જોઈન્ટ સેક્રેટરી રીનિશ ભટ્ટની સહીથી સરકારે આ પરિપત્ર જાહેર કર્યો છે.
ગાંધીનગરમાં આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા દરમિયાન જે મુશ્કેલીઓ ધ્યાનમાં આવશે તથા જે સૂચનો મળશે તેનાં આધારે એક ટ્રેનિંગ મોડયૂઅલ તૈયાર કરવામાં આવશે. અને પછી તેનાં ઉપયોગથી સમગ્ર રાજ્યમાં આ પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે. કપાત પછીનાં ફાઈનલ પ્લોટનાં ક્ષેત્રફળની નોંધ ગામ નમૂના નંબર સાતમાં કરતી વખતે, ઈ-ધરા સોફ્ટવેરમાં કમી જાસ્તી પત્રક સ્વરૂપે તેની નકશા નોંધ થશે. સિટી સર્વે કચેરીમાં આ રીતે નમૂના સાતનું જે અદ્યતન રેકર્ડ તૈયાર થયું હશે તેનાં આધારે FPની જમીનોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરવામાં આવશે, એમ આ પરિપત્રમાં જણાવાયું છે. આ પ્રક્રિયાથી TP સ્કીમના સત્તામંડળ સહિતના તમામ સ્ટેક હોલ્ડરનાં હિતો સચવાશે, વિવાદો અટકશે, એવો આશય આ પાયલોટ પ્રોજેક્ટ સાથે જાહેર કરવામાં આવ્યો છે.