Mysamachar.in:ગાંધીનગર
વિવિધ સમસ્યાઓ અને આંતરિક તથા બાહ્ય દૂષણોની વચ્ચે રહીને કામ કરતી પોલીસે, કામગીરી સંદર્ભે ઘણાં પડકારોનો સામનો કરવો પડતો હોય છે અને એમ છતાંય પોલીસે જુદાં-જુદાં સ્તરેથી ઘણું સાંભળવું પણ પડતું હોય છે. પરંતુ ગૃહમંત્રી પોલીસની ઈમેજને ઉજળી બનાવવા કટિબદ્ધ હોવાની સાથે-સાથે વિઝન પણ ધરાવતાં હોય, આગામી સમયમાં પોલીસની કામગીરીમાં અસરકારકતા આવી શકે છે, પોલીસની કામગીરીને ચાર ચાંદ લાગી શકે છે. સમાજમાં અપરાધો વ્યાપકપણે બનતાં રહે છે. ગરીબી, બેકારી, વિશાળ વસતિ જેવાં વિવિધ કારણોસર અપરાધોનું નિયંત્રણ અઘરો મામલો છે. વળી, અપરાધીઓ પકડાઈ જાય પછી પણ આ અપરાધીઓ પૈકી ઘણાં બધાં લોકોને જુદાંજુદાં કારણોસર સજા અપાવી શકવામાં પોલીસને પ્રમાણમાં ઓછી સફળતા મળતી હોય છે, તે મુદ્દે ખુદ ગૃહમંત્રી ચિંતિત છે.
તેઓ સજા અપાવવાનો દર વધારવા ઇચ્છે છે. Conviction rate મુદ્દે તેઓ ગુજરાતને નંબર વનની દિશા તરફ લઈ જવા ચાહે છે. આ માટે તેઓ પાસે વિઝન પણ છે. મજબૂત ઈચ્છાશક્તિ પણ તેઓ ધરાવે છે. તેઓ પોલીસને વધુ વૈજ્ઞાનિક અને વધુ આધુનિક બનાવવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે બેદિવસીય ફોરેન્સિક હેકેથોન-2023નો પ્રારંભ થયો. આ પ્રકારની દેશની આ પ્રથમ હેકેથોન રહી. આ હેકેથોનના ઉદઘાટન પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ક્રાઈમ ને અંકુશમાં લેવા અપરાધીઓને સજા મળવાની ટકાવારી ઉંચી લઇ જવી આવશ્યક હોય છે. આ માટે દરેક અપરાધની તપાસ દરમિયાન પહેલી મિનિટથી જ, પોલીસની સાથે ફોરેન્સિક તપાસ ટૂકડી જોડાશે. આ માટે રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં ક્લસ્ટર બનશે. જેમાં પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ હશે.
તેઓએ જણાવ્યું હતુ કે, સલામતીની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ ક્રમનું સ્થાન ધરાવે છે. તેઓએ જણાવ્યું કે, રાજ્યનાં દરેક પોલીસ સ્ટેશનમાં ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ ઉપલબ્ધ કરાવવા સરકારે ભાવિ આયોજન કર્યું છે. જેથી દરેક ગુનાની તપાસનાં સ્થળે આ બંને ટીમો સાથે પહોંચે અને દરેક ગુનાની તપાસ ફોરેન્સિક પદ્ધતિએ થાય. આમ થવાથી અપરાધીઓ સામેના આરોપો સાબિત થવાનો દર વધારી શકાય. તેઓએ ઉમેર્યું હતું કે, આ દર વધારવા મુદ્દે ગુજરાત દેશમાં નંબર વન રાજય બનશે. ફોરેન્સિક તપાસ બહુ મહત્વની બાબત છે. તેઓએ જણાવ્યું હતુ કે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સમગ્ર દેશ માટે ઉપયોગી છે. અને, વધુ ઉપયોગી સાબિત થશે.
આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના કુલપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. જે.એમ.વ્યાસે જણાવ્યું હતું કે, ક્રાઈમ ઇન્વેસ્ટીગેશન ક્ષેત્રમાં ટુલ્સ ટેકનોલોજી દેશને આત્મનિર્ભર બનાવશે. અપરાધોની ફોરેન્સિક તપાસ માટે આ પ્રકારની ટેકનોલોજી અને ટુલ્સ આવશ્યક છે, જેનાં નિર્માણની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આ માટે મેક ઇન ઇન્ડિયા ઝુંબેશ મદદરૂપ થશે. આ હેકેથોનમાં વિદેશોના નિષ્ણાતો પણ ઉપસ્થિત રહ્યા હતાં. અમેરિકાનાં એક પ્રોફેસરે જણાવ્યું હતું કે, પર્યાવરણ સંબંધી અપરાધો ઝટ નજરે નથી પડતાં પરંતુ લાંબા ગાળે એ અપરાધોની અસરો બહુ ઘાતક હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આજે બીજી ફેબ્રુઆરીથી આ જ સ્થળે ત્રણ દિવસ માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો. જેનું ઉદ્દઘાટન NHRCનાં ચેરમેન જસ્ટિસ અરૂણકુમાર મિશ્રાએ આજે સવારે કર્યું. હેકેથોનમાં આજે બીજાં દિવસે પણ દેશવિદેશના નિષ્ણાતો અને ટુલ નિર્માણ ક્ષેત્રનાં ઉદ્યોગપતિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.