Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં હવે મિલકતનાં વેચાણ દસ્તાવેજો બનાવનાર દસ્તાવેજોની નોંધણી કરાવવાની સાથે જ, દસ્તાવેજોની ડિજિટલ કોપી પ્રાપ્ત કરશે. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે નવા ચાર આયામો ડિજિટલ કર્યા છે. મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે નોંધણી સરનિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સ કચેરીનો નવો લોગો, નવી પેમેન્ટ વ્યવસ્થા તથા ડિજિટલ સ્વરૂપે દસ્તાવેજોનો સંગ્રહ-બેકઅપ તથા ઈન્ટરનેટ કનેક્ટિવિટી સહિતનાં ડિજિટલ આયામોનું ઉદઘાટન કર્યું છે. તેઓએ આ તકે જણાવ્યું હતું કે- દસ્તાવેજોની નોંધણી વધુ ઝડપી અને પારદર્શક રીતે લોકોને ઉપલબ્ધ કરાવવા માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ વધુ આધુનિક અને ડિજિટલ બનાવવામાં આવશે.
આ ચાર નવા પ્રકલ્પોને કારણે પેમેન્ટ રિફંડ પ્રક્રિયા પણ ઝડપી બનશે. મુખ્યમંત્રીએ આ તકે નોંધણી કચેરીની કામગીરી અને લક્ષ્યાંકો રજૂ કરતાં પુસ્તક ડિજિટલ ગુજરાતનું લોન્ચિંગ કર્યું હતું. તેઓએ આ કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓને સારી કામગીરી બદલ અભિનંદન પણ આપ્યા. આ નવીન આયામને કારણે હવે તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં મિલકતનાં દસ્તાવેજોની નોંધણી ડિજિટલ સ્વરૂપે સચવાશે. જેને કારણે હજારો ટન કાગળની બચત પણ થશે. આ સાથે જ દસ્તાવેજોની નોંધણી ફી ભરવા ટ્રેઝરી વિભાગનાં પોર્ટલ સાથે ICICI પેમેન્ટ ગેટવે પણ લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી ICICI બેંકના પોર્ટલની મદદથી પણ નોંધણી ફી ભરવાની સુવિધા ઉપલબ્ધ બની છે.