Mysamachar.in:ગાંધીનગર
લાંચ લેતાં ઝડપાઈ જાવ તો, લાંચ આપીને છૂટી જાવ….આ પ્રકારની ઉક્તિ સાથે, રાજ્યનું લાંચ રૂશ્વત વિરોધી તંત્ર ઘણાં વર્ષોથી બિચારૂ બદનામ છે. જો કે તેની સામે હકીકત એ પણ છે કે, લાંચમાં ઝડપાયેલાં જાહેર થતાં સરકારી કર્મચારીઓમાં વર્ગ-3 તથા વર્ગ-4 નાં કર્મચારીઓ જ વધુ હોય છે ! જેને પરિણામે જામનગર સહિત રાજ્યભરમાં ચર્ચા એ પણ ઉઠી છે કે, IAS અને IPS અમલદારોની ‘ તોડ ‘ કરવાની મોડ્સ ઓપરેન્ડી શું હોય છે ?! તેઓને કેમ પકડવામાં આવતાં નહીં હોય ?! એવું પણ ઘણાં લોકો ભોળાં ભાવે પૂછતાં હોય છે ! ગુજરાત ACB નો પાછલો વાર્ષિક રિપોર્ટ આવી ગયો છે. વર્ષ દરમિયાન સરકારનાં કયા વિભાગમાં, કેટલાં અધિકારીઓ લાંચ લેતાં ઝડપાઈ ગયા ? તેનાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રસપ્રદ મુદ્દો એ છે કે, અત્યાર સુધી આંકડાઓના આધારે એમ માનવામાં આવતું હતું કે, લાંચ લેવાની કળા સૌથી વધુ મહેસૂલ વિભાગ જાણે છે. પરંતુ લેટેસ્ટ રિપોર્ટ જણાવે છે કે, ગત્ વર્ષે ગૃહ વિભાગે જબ્બર મહેનત કરી – મહેસૂલ વિભાગ પાસેથી નંબર વનની આ રનીંગ ટ્રોફી આંચકી લીધી છે. સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય. આ ઉક્તિ ખાખી રંગે રંગાઈ જવા પામી છે.
ગૃહવિભાગ ઉપરાંત પંચાયત, મહેસૂલ, પેટ્રોકેમિકલ્સ, ઉર્જા તથા શહેરી વિકાસ વિભાગે પણ લાંચ પ્રાપ્ત કરવા યથાસંભવ પ્રયાસો કર્યા. તેઓની પણ રિપોર્ટમાં ખાસ નોંધ લેવામાં આવી છે. ખાસ કરીને પેટ્રો તથા ઉર્જા અને શહેરી વિકાસ વિભાગમાં તો બિચારાં ઉચ્ચ અધિકારીઓ પણ લાંચ લેતાં ઝડપાઈ ગયા. તેઓને પણ કાળઝાળ મોંઘવારી આટલી હદે નડતી હશે ?! એવું પણ રમૂજમાં સૌ કહી રહ્યા છે. ACBનો વાર્ષિક અહેવાલ કહે છે: લાંચ લેતાં સૌથી વધુ ઝડપાયેલાં સરકારી કર્મચારીઓમાં વર્ગ-3નો સમાવેશ થાય છે. વર્ગ-4નાં કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં લાંચ લેતાં ઝડપાઈ ગયા છે. ટૂંકમાં, નાની માછલીઓના ગળાનું માપ લેવામાં લાંચ રૂશ્વત વિરોધી તંત્ર પાવરધું છે. જો કે એમ તો સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રમાં વર્ગ-2 અને વર્ગ-1નાં અધિકારીઓને પણ ભરોસો છે ! તેઓ પણ નોંધપાત્ર સંખ્યામાં, લાંચિયા તરીકે જાહેર થયાં છે. વચેટિયાઓ પણ મોટાં પ્રમાણમાં પકડાઈ ગયા છે. લોકો રમૂજમાં એમ પણ કહે છે : વચેટિયાઓને કારણે લાંચના ક્ષેત્રમાં બજારભાવ ઉંચા રહેવા પામે છે !
રિપોર્ટ અનુસાર, વર્ષનાં 365 દિવસ દરમિયાન વિવિધ વર્ગોના કુલ 252 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ લાંચ લેતાં ઝડપાઈ ગયા. દૈનિક એક કેસની પણ સરેરાશ ન આવી ! વર્ષ દરમિયાન 94 વચેટિયાઓ પણ ઝડપાઈ ગયા. ક્લાસ વન અધિકારીઓની વાત કરીએ તો, વર્ષ દરમિયાન માત્ર નવ ઉચ્ચ અધિકારીઓ છટકામાં ઝડપાઇ ગયા. એમ પણ માનવામાં આવે છે કે – કેટલાક IAS અને IPS સહિતના ઉચ્ચ અધિકારીઓ રોકડમાં શ્રદ્ધા ધરાવતાં નથી. તેઓ બિસ્કીટનાં શોખીન હોય છે. ફાર્મ હાઉસ અને પ્લોટ વગેરેનાં દસ્તાવેજો તેઓનાં નામે લખી આપવામાં પણ ઘણાં ધંધાર્થીઓને વાંધો નથી હોતો. કહેવાય છે કે, આ મોડ્સ ઓપરેન્ડી તોડ ક્ષેત્રમાં વધુ સલામત રસ્તો છે. રાજ્યનાં પેટ્રો, કેમિકલ્સ, ઉર્જા અને શહેરી વિકાસ વગેરે વિભાગનાં 9 ઉચ્ચ અધિકારીઓ, વર્ગ-3નાં 114 કર્મચારીઓ અને વર્ગ ચારનાં પાંચ કર્મચારીઓ લાંચમાં ઝડપાયેલાં જાહેર થયાં છે. ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થયા પછી, 30-09-1963નાં દિવસે રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને કાર્યરત્ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ તંત્ર સરકારી વિભાગોની સ્વચ્છતા માટે દિનરાત મહેનત કરે છે.