Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત રાજ્યભરમાં વર્ષોથી જંત્રીના જૂનાં દરો અમલમાં છે. વર્ષોથી આ દરોની સમીક્ષા પણ કરવામાં આવી નથી ! બીજી જમીનો અને મિલ્કતોની વાસ્તવિક કિંમતોમાં પાછલાં વર્ષોમાં તોતિંગ વધારો નોંધાયો છે. આ સ્થિતિને કારણે રાજ્યમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં કાળા નાણાંનું જબ્બર સર્જન થઈ રહ્યું છે ! જેમાં હવે બ્રેક લાગવાની શક્યતા છે. જો કે એક શક્યતા એવી પણ છે કે, જંત્રીના દરો વધશે તો, મિલ્કતોની વાસ્તવિક કિંમતોમાં પણ વધારો નોંધાઈ શકે છે. મતલબ, કાળો રૂપિયો તો પછી પણ પેદાં થતો જ રહેશે ! રાજ્ય સરકારે જંત્રીના દરો વધારવા માટે મંજૂરી આપી દીધી છે. દસ વર્ષ કરતાં વધુ સમય બાદ આ મંજૂરી આપવામાં આવી છે. જંત્રીના દરોમાં ઓછામાં ઓછો પચ્ચીસેક ટકાનો વધારો તો થશે જ, એવું હાલ સમજાઈ રહ્યું છે. અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે, દરો વધારવા માટેની પ્રાથમિક દરખાસ્ત પરથી એવું દેખાઈ રહ્યું છે કે, બધી જ જગ્યાએ દરો એકસરખી રીતે નહીં વધે. જુદાં જુદાં વિસ્તારોમાં તો દરોમાં વધારો અસમાન હશે જ, એક જ વિસ્તારમાં પણ દરવધારો અસમાન રહેશે એવું જાણવા મળે છે. જો આમ થશે તો, કેટલાંક વિસ્તારોમાં તથા કેટલાંક લોકોમાં નારાજગી અને સળવળાટ પણ પેદાં થઈ શકે છે.
એવું પણ બની શકે છે કે, સ્મશાન વિસ્તારમાં આવેલી મિલ્કતોના જંત્રીના દરોમાં ઓછો વધારો થાય અને સ્કૂલ તથા શોપિંગ સેન્ટર નજીકની મિલ્કતોના જંત્રીના દરોમાં વધુ વધારો થાય, કારણ કે – આ પ્રકારના વિસ્તારમાં મિલ્કતોની વાસ્તવિક કિંમતોમાં પણ મોટો તફાવત હોય છે, એક જ એરિયામાં. જંત્રીના દરોમાં વધારો જાહેર થાય એ પહેલાં તાજેતરમાં સરકારે ચોક્કસ બિલ્ડર સંગઠનોની રજૂઆતો પણ તપાસી છે. કેટલાંક સંગઠનો એમ કહે છે કે, ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઇટ્સ, FSI તથા જમીનનાં હેતુફેરનાં કિસ્સાઓમાં સરકારે રાહતો આપવી જોઈએ. આ પ્રકારની લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. બિલ્ડર લોબી કહે છે : જમીનનાં હેતુફેરનાં કિસ્સાઓમાં તથા ટ્રાન્સફર ડેવલપમેન્ટ રેટ હાલમાં પણ ઉંચા છે. જો તેમાં પણ, જંત્રી દરવધારા સાથે, વધારો થશે તો, રિઅલ એસ્ટેટ માર્કેટમાં તેની માઠી અસરો જોવા મળી શકે છે.
આ ઉપરાંત બિલ્ડર લોબીએ સરકાર સમક્ષ એવી પણ માંગણી કરી છે કે, જંત્રીના નવા દરોનો અમલ શરૂ કરતાં પહેલાં સરકારે ઓછામાં ઓછો છ મહિનાનો, વચ્ચે ગેપ આપવો જોઈએ. (ટૂંકમાં, બિલ્ડર લોબીએ પોતાની સેઈફ સાઈડ અગાઉથી ગોઠવી જ લીધી છે, વધારો સામાન્ય ખરીદદારોને જ અસરો પહોંચાડશે !) વર્ષો પછી જંત્રીના દરોમાં વધારો કરવા માટે સરકારમાં સળવળાટ થયો છે તો પણ સંબંધિત સ્થાપિત હિતો એવું ઈચ્છી રહ્યા છે કે, આ સમગ્ર હિલચાલમાં હજુ વિલંબ થાય. સરકાર આ આખું પ્રકરણ આગામી સમયમાં કેવી વ્યૂહરચના સાથે હાથ ધરે છે, તે જોવું રસપ્રદ બનશે. સરકાર પાસે જબ્બર બહુમતી ખિસ્સામાં છે ત્યારે સરકાર ધારે તો સમગ્ર પ્રક્રિયાને બહુજન હિતાયની દિશામાં પણ લઈ જઈ શકે છે. ટૂંક સમયમાં, બધો જ ભેદ ખૂલ્લી જશે.