Mysamachar.in:ગાંધીનગર
રાજયની ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકાર પોતાનાં તાબામાં કોઈની પણ મનમાની ચલાવી લેવામાં માનતી નથી. અને, કડક એટલાં માટે બની રહી છે કેમ કે, સરકાર લોકલક્ષી બનવા તરફ સક્રિય હોવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા ચાહે છે. મુખ્યમંત્રી પ્રકૃતિથી ભલે મૃદુ દેખાઈ રહ્યા હોય, કામ બાબતે તેઓ મક્કમ છે. અને, પ્રથમ ઇનિંગ્સમાં તેઓ સામે કેટલીક અડચણો હતી, તે પણ હવે દૂર થઈ ચૂકી છે.
ગાંધીનગરથી સૂત્રોએ કેટલીક મહત્વની બાબતો પ્રત્યે ઈશારો કર્યો છે જે આ સંદર્ભમાં સમજવો જરૂરી છે. સૂત્રોનાં કહેવા પ્રમાણે, મુખ્યમંત્રીએ ઉચ્ચ અધિકારીઓ પર પોતાની નજર સ્થિર કરી છે. મુખ્યમંત્રીને એવાં સંકેતો મળ્યા છે કે, શાસનનાં જે કોર (કેન્દ્રવર્તી) ક્ષેત્રો છે તેમાં જે પ્રકારનાં વિલંબ સર્જાઈ રહ્યા છે તે તમામ વિલંબ સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર વધારવા પાછળ જવાબદાર છે. ઉચ્ચ અધિકારીઓ પૈકી કેટલાંક અધિકારીઓ સરકાર કરતાં પણ વધુ હોંશિયાર પૂરવાર થવા મથે છે ! તેઓ સરકારનાં ઠરાવોને મચડે છે ! મસળે છે ! અને, કોઈક કારણોસર ઘણાં બધાં કિસ્સાઓમાં સરકારનાં ઠરાવ (GR- government resolution)નો અમલ નક્કી કરતી વખતે કોઈ ભળતા જ હેતુઓની પૂર્તિ કરી રહ્યા છે ! અને તેથી નાગરિકોમાં સરકાર અંગે ખોટાં અને નુકસાનકારક સંકેતો પ્રસરી રહ્યા છે. સરકારની મક્કમતા વાયા ઉચ્ચ અધિકારી, નાગરિક સુધી પહોંચતા ઢીલી ઢફફ દેખાઈ રહી છે, જેથી સંબંધિત નાગરિકોમાં રોષ અને છૂપો ગુસ્સો પ્રગટે છે અથવા વધે છે. સરકાર ઉચ્ચ અધિકારીઓની આ મોડસ ઓપરેન્ડી ચલાવી લેવા ઇચ્છતી નથી એમ સૂત્રો પાસેથી મળતી માહિતી કહે છે.
સૂત્રોએ ત્યાં સુધી જણાવ્યું છે કે – અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે: સરકારનો જે અંતિમ ઠરાવ હોય, તેને સંબંધિત અધિકારીઓએ ધ્યાનમાં લેવાનો રહેશે. અને, એ મુજબ ઝડપી અને અસરકારક નિર્ણયો લેવાનાં રહેશે. ગુજરાતની આ 2.0 સરકાર, હવે પછીનાં તબક્કામાં પરિણામલક્ષી કામગીરી અને કાર્યવાહીઓ ઇચ્છે છે. અને સરકારે આ એજન્ડા ઉચ્ચ અધિકારીઓને ખૂબ જ સરસ, સૌમ્ય પરંતુ લોખંડી ઈરાદા સાથે સમજાવી દીધો હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. મુખ્યમંત્રીનો આ મિજાજ આગામી સમયમાં ખાસ કરીને કોર ગવર્નન્સ ક્ષેત્રોમાં પ્રતીત થશે, એવું આપણે સૌ લોકકલ્યાણ સંદર્ભમાં ઇચ્છીએ.