Mysamachar.in:ગાંધીનગર
આપણે સૌ જાણીએ છીએ કે, કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાં જે લાખો લોકોને કોરોનાની બિમારી સહન કરવી પડી તે પૈકી ઘણાં બધાં દર્દીઓનાં ફેફસાં, કોરોનાથી બહાર આવ્યા પછી પણ અગાઉ જેટલાં મજબૂત અને સ્વસ્થ રહ્યા નથી. આ પ્રકારના ઘણાં લોકો તો આજે પણ પાંચ પંદર પગથિયાનો દાદર ચડે તો શ્વાસની તકલીફોની ફરિયાદ કરતાં હોય છે ! આ સ્થિતિમાં TB મુક્ત ગુજરાતનો સરકારનો જે ટાર્ગેટ છે, તે પાર પાડવામાં અડચણો પેદાં થઈ શકે છે. થઈ રહી છે ! કારણ કે, અન્ય બે કારણો પણ આ દિશામાં નડતરરૂપ જણાઈ રહ્યા છે.
સરકારે અગાઉ એવી જાહેરાત કરી હતી કે, 2025 સુધીમાં ગુજરાતને TBમુકત બનાવવામાં આવશે. અને, સરકાર આ બાબતે ગંભીર પણ છે. દરેક TB દર્દીઓ પર ધ્યાન આપવામાં આવે છે. સતત ફોલોઅપ પણ મેળવવામાં આવે છે. જરૂરી સારવાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પરંતુ આમ છતાં કોરોનાએ ડેમેજ કરેલાં લોકોનાં ફેફસાં વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનને કારણે વધુ ડેમેજ થતાં હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, આઠેક વર્ષ પહેલાં સરકારે રાજ્યમાં TB વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટરની જગ્યા જ નાબૂદ કરી નાંખી હતી અને એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, 2025 પહેલાં રાજ્યમાંથી TB ને ગેટ આઉટ કહી શકાશે. પરંતુ હવે કોરોનાકાળ પછી આ વિશ્વાસ પાલવે તેવો નથી, એવું જણાતાં સરકારે ઉપરોક્ત વિભાગમાં જોઈન્ટ ડાયરેક્ટરની જગ્યા ફરીથી સજીવન કરવી પડી છે ! કારણ કે, આ ફેફસાં ડેમેજ – વધતું જતું વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાન ત્રણેય ચિંતાના વિષયો બન્યા છે.
સરકાર લોકોનાં ખાસ કરીને કોરોના સહન કરી ચૂકેલાં લોકોનાં નબળાં ફેફસાં અંગે ચિંતિત છે. વાયુ પ્રદૂષણ ઘટાડવા પણ ગંભીર છે અને સાથેસાથે ખાસ કરીને યુવાનોમાં ધૂમ્રપાન ઘટાડવા પર જોર ઇચ્છી રહી છે. કેમ કે, ગુજરાતમાંથી TB નાં રોગને દૂર કરવો પણ જરૂરી છે. ગુજરાત દરિયાઈ પટ્ટી મોટી ધરાવે છે તેથી TB નાં કેસો પણ નોંધપાત્ર પ્રમાણમાં જોવા મળે છે. વળી, સૌરાષ્ટ્રમાં ધૂમ્રપાનનું પ્રમાણ પણ વધુ છે.