Mysamachar.in:ગાંધીનગર
જામનગર સહિત કોઇ પણ શહેરમાં TP (કોર્પોરેશન હસ્તકનું પ્લાનિંગ) અને DP (રાજ્ય સરકાર હસ્તકનું પ્લાનિંગ) ખૂબ જ અગત્યનાં નકશાઓ છે, જે શહેરોનાં બાહ્ય અને આંતરિક વિકાસની દિશાઓ અને દશા નક્કી કરે છે. આ આયોજનોમાં જો કે, ઓલઓવર ઘણું રંધાતું અને ગંધાતું પણ હોય છે. પરંતુ સરકારે તાજેતરમાં TP સંબંધે લીધેલો એક મહત્ત્વનો નિર્ણય અને તેનો શરૂ થયેલો અમલ- લોકસુવિધાની દ્રષ્ટિએ નોંધપાત્ર મુદ્દો છે. રાજ્યનાં શહેરી વિકાસ વિભાગે મહાનગરપાલિકાઓને સૂચનાઓ આપી દીધી છે કે, હવે પછી કોઈ પણ TP બનાવતી વખતે, TP સ્કીમમાં પબ્લિક પાર્કિંગ માટે તથા તે વિસ્તારમાં સ્થાનિક બજાર વિકસાવવા ફેરિયાઓ માટે ચોક્કસ પ્રમાણમાં જગ્યાઓ રાખવી પડશે.
શહેરી વિકાસ વિભાગની આ સૂચનાનો અમદાવાદમાં અમલ પણ શરૂ થઈ ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરી વિકાસ વિભાગનાં નોટિફિકેશનને ધ્યાનમાં રાખી ગત્ મંગળવારે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે – હવે પછી TP સ્કીમના તમામ ડ્રાફ્ટ્સમાં સંબંધિત સ્કીમની કુલ જમીન પૈકી એક ટકા સુધીની જમીન સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે પબ્લિક પાર્કિંગ માટે અનામત રાખવાની રહેશે. અત્રે નોંધનીય છે કે, આમ તો પાછલાં નવ વર્ષથી પ્રત્યેક TP સ્કીમ માટેનાં ડ્રાફ્ટમાં આ જોગવાઈ અમલી બનાવવાની જ હતી ! પરંતુ અત્યાર સુધી આ કાર્યવાહી માટે રાજ્યના શહેરી વિકાસ વિભાગે ખાસ માર્ગદર્શિકા બનાવી જ ન હતી ! આથી કહી શકાય કે, દેર સે આયે લેકિન દુરસ્ત આયે !!
અમદાવાદનાં ચીફ સિટી પ્લાનર દ્વારા જાહેર કરવામાં આવેલાં આ પરિપત્રમાં જણાવાયું છે કે, TP ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે જેતે ટીપીમાં સ્થાનિક બજાર માટે (ફેરિયાઓ માટે) કુલ જમીન પૈકી ઓછામાં ઓછી 0.10 ટકા અને વધુમાં વધુ 0.50 ટકા જમીન અલગ રાખવી પડશે. આ ઉપરાંત ટ્રાફિક સરળતા માટે કુલ પ્લોટની એક ટકા જમીન પબ્લિક પાર્કિંગ માટે અલગ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. જે સ્કીમને ઔપચારિક મંજૂરી આપવામાં આવી હોય અને આખરી મંજૂરી બાકી હોય તેવાં કિસ્સાઓમાં, આ અનામત પ્લોટસ બાબતે ટાઉન પ્લાનિંગ ઑફિસરનો અભિપ્રાય મેળવવાનો રહેશે, એમ પણ આ સરકયૂલર કહે છે. જે સ્કીમ મંજૂર થઈ ગઈ હોય અથવા મંજૂરીના પ્રાથમિક તબક્કે હોય તે સ્કીમનાં કિસ્સામાં સક્ષમ ઓથોરિટીનો નિર્ણય આ સંદર્ભે આખરી લેખાશે, એવું શહેરી વિકાસ વિભાગની માર્ગદર્શિકા કહે છે.