Mysamachar.in:ગાંધીનગર
મોંઘવારી સૌને નડે છે ! કરોડો રૂપિયા કમાઈ રહેલી ખાનગી શાળાઓનાં સંચાલકોને પણ આ મોંઘવારી કનડી રહી છે. તેઓ ઈચ્છે છે કે, મોંઘવારી સામે અમો સારી રીતે લડી શકીએ એ માટે વાલીઓએ અમોને ફી વધારો આપવો જોઈએ ! આ માટે શાળા સંચાલકોએ સરકારમાં રજૂઆત કરી છે. જો સરકાર શાળા સંચાલકોને ફી વધારો આપવાની ઉદારતા દેખાડશે તો, વાલીઓને મોંઘવારીનો વધુ તીવ્રતાથી અહેસાસ થશે ! સરકાર હવે, શાળા સંચાલકો પ્રત્યે કૂણી લાગણી દેખાડશે ? કે, વાલીઓને ફી વધારાની આ માંગણી સામે રક્ષણ આપશે ? કે પછી, સરકાર કાંઈક વચલો રસ્તો શોધી કાઢશે ? એ વિષય પર ચર્ચાઓ શરૂ થઈ છે.
અત્રે નોંધનીય છે કે, ખાનગી શાળાઓમાં ફી ધોરણ નક્કી કરવા રાજય સરકારે પાંચ વર્ષથી ફી નિર્ધારણ કમિટી બનાવેલી જ છે. પરંતુ વાલીઓનો અનુભવ એવો રહ્યો છે કે, ફી નિર્ધારણ કમિટી શાળા સંચાલકો પ્રત્યે કડક વલણ અખત્યાર કરતી નથી ! સરકારનાં અન્ય વિભાગો માફક શિક્ષણનાં ક્ષેત્રમાં પણ ધકેલ પંચા દોઢસો ઘણું ચાલે છે ! વાલીઓનું કોઈ નથી ! વાલીમંડળોની ભૂમિકા પણ ભાગ્યે જ અસરકારક પૂરવાર થઈ શકે છે ! આ સ્થિતિમાં માબાપોને સંભવિત ફી વધારા સામે રક્ષણ મળે તેવી શક્યતાઓ પાતળી જણાઈ રહી છે !
શાળા સંચાલકોએ પ્રાથમિક, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક તથા સાયન્સ પ્રવાહ એમ ત્રણેય ફોર્મેટમાં વાર્ષિક રૂ. 5,000 નો ફી વધારો માંગ્યો છે. જોઈએ હવે સરકાર આ દિશામાં કેવી રીતે આગળ વધે છે ?!