Mysamachar.in:ગાંધીનગર
સરકારમાં કેટલીક યોજનાઓ એવી હોય છે જેમાં એક તરફ અધિકારીઓ આનંદ કરતાં હોય છે અને મનમાની ચલાવતાં હોય છે, બીજી બાજુ આવી યોજનાઓ ખાસ કોઈ લાભાર્થીઓ ધરાવતી હોતી નથી ! આ પ્રકારની યોજનાઓ પર ‘ નકામી ‘ લેબલ લગાવી તેને બંધ કરી દેવામાં આવે તેવી પણ શક્યતા છે. ગુજરાતમાં બજેટ પૂર્વેનો જે માહોલ છે તેમાં આવી યોજનાઓ ઉપરાંત આઉટસોર્સિંગ મુદ્દે પણ કશોક નિર્ણય લેવામાં આવે એવું પણ બની શકે છે. સચિવાલય ખાતે આ પ્રકારની ચર્ચાઓનો દૌર શરૂ થઈ ગયો છે.
એમ માનવામાં આવે છે કે, સરકાર નાણાં મામલે કરકસર તરફ સરકશે અને જે કામોમાં અધિકારીઓ અને કર્મચારીઓનો સમય વેડફાતો હોય એવી કેટલીક યોજનાઓ બંધ થઈ શકે છે. આવી યોજનાઓ જો નોંધપાત્ર પ્રમાણમાં લાભાર્થીઓ ધરાવતી નહીં હોય તો, આવી યોજનાઓને નકામી ગણી બંધ કરવામાં આવશે, એવું સમજાઈ રહ્યું છે. ગાંધીનગરમાં બજેટ પૂર્વે આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સરકાર રોજગારી મુદ્દે પણ ચિંતિત હોવાનું જાણવા મળે છે. ખાસ કરીને આઉટસોર્સિંગ પ્રથાને કારણે લોકોમાં તથા કર્મચારીઓમાં ચોક્કસ પ્રકારની નારાજગી જોવા મળે છે. વારંવાર આંદોલનો પણ થતાં રહે છે. કામોની ક્વોલિટી પર પણ અસરો થતી હોય, અરજદારોમાં અસંતોષ જોવા મળે છે. વળી, કાયમી ભરતીનાં અભાવે બેરોજગારી પણ અકળાવનારી બની રહી હોય, સરકાર વધુ ભરતીઓ માટે વિચારણા કરી શકે છે.
ગુજરાત સરકાર આગામી બજેટમાં આ પ્રકારની કેટલીક નીતિવિષયક બાબતો જાહેર કરી, શાસનમાં બહુમતી આપનાર મતદાતાઓને રિટર્ન ગિફ્ટ આપશે એવું પણ જાણવા મળી રહ્યું છે. કેટલાંક ટોપ IAS અધિકારીઓને આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હોવાનું કહેવાય છે. આપણે સૌ આશા-અપેક્ષા રાખીએ કે, ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારનું પ્રથમ અંદાજપત્ર નવો ચીલો ચાતરનારૂ બની રહે અને પ્રજા કલ્યાણ અંગે કેટલાંક નોંધપાત્ર નિર્ણયો થાય.