Mysamachar.in:ગાંધીનગર
ગુજરાત સરકાર રાજ્યભરની શાળાઓમાં પરિણામ ઉંચુ લાવવા માટે નવી નીતિ સાથે આગળ વધી રહી છે. શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, શાળાઓમાં પરિણામ ઉંચુ લાવવાની જવાબદારી આચાર્યો-શિક્ષકોની છે. આ માટે તેઓએ વધુ મહેનત કરવાની રહેશે. રાજ્યનાં શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે કે, ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં પરિણામો ઉંચા લાવવા પર ધ્યાન આપવાનું રહેશે. જે શાળાઓ 30 ટકા કરતાં ઓછું પરિણામ મેળવશે તે શાળાઓએ નિયત સમય ઉપરાંત વધુ 45 મિનિટ છાત્રોને ભણાવવાના રહેશે. આ માટે ઝીરો પિરિયડ શરૂ કરવાનાં રહેશે. આ તાસમાં વિદ્યાર્થીઓ ગેરહાજર ન રહે તે આચાર્યો તથા શિક્ષકોએ જોવાનું રહેશે.
ઝીરો પિરિયડમાં વધુને વધુ વિદ્યાર્થીઓ હાજર રહે તે માટે આચાર્યો તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓ તથા વાલીઓને ફોન કરવાનાં રહેશે. ફોનનું રજિસ્ટર નિભાવવાનું રહેશે. આ ઉપરાંત વાલીઓને રૂબરૂ મુલાકાત માટે બોલાવવાના રહેશે. કોઈ પણ રીતે દરેક વિદ્યાર્થી વધુ હોંશિયાર બને તે માટે આચાર્યો અને શિક્ષકોએ ધ્યાન આપવાનું રહેશે. શાળાઓનાં નિયત સમય કરતાં વધુ 45 મિનિટ અભ્યાસ કરાવવાનો રહેશે. અને દરેક વિદ્યાર્થી દરેક વિષયમાં ઓછામાં ઓછાં 33 ગુણ પ્રાપ્ત કરી શકે તે પ્રકારની તૈયારીઓ કરાવવાની રહેશે.આચાર્યો તથા શિક્ષકોએ આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વારંવાર કસોટી માટેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. રાજ્યનો શિક્ષણ વિભાગ ઈચ્છે છે કે, રાજ્યમાં બોર્ડ પરીક્ષાઓમાં 30 ટકાથી ઓછું પરિણામ લાવનારી શાળાઓની સંખ્યા ઘટીને શૂન્ય થાય.