Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં આર્થિક સહિતનાં વિવિધ કારણોસર વાલીઓમાં ખાનગી શાળાઓમાં પોતાનાં બાળકોને ભણાવવાનો ક્રેઝ ઘટતો જોવા મળી રહ્યો છે, જેને કારણે સરકારી શાળાઓમાં બાળકોનો પ્રવેશ વધી રહ્યો છે પરંતુ સમસ્યા એ છે કે, સરકારી શાળાઓમાં શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી છે !
આ આંકડાઓ લોકસભામાં સરકારે રજૂ કર્યા છે. છેલ્લાં 4 વર્ષમાં ગુજરાતમાં નવી 453 સરકારી શાળાઓ શરૂ થઈ છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ 14,767ની છે ! વર્ષ 2019-20માં ખાનગી શાળાઓમાં 47 લાખ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વર્ષ 2021-22માં આ આંકડો ઘટીને 41.55 લાખ રહ્યો છે.
2019-20માં ગુજરાતમાં 52,95,130 બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. 2020-21માં 53,34,822 બાળકોએ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો. અને, 2021-22માં વાલીઓએ સરકારી શાળાઓમાં 55,70,855 બાળકોને પ્રવેશ અપાવ્યો.
રાજ્યમાં પાછલાં ચાર શૈક્ષણિક વર્ષ દરમ્યાન નવી સરકારી શાળાઓ શરૂ થવાનાં આંકડા આ મુજબ છે : 178, 78, 155 અને 42 એટલે કે, 2021/22માં આખાં રાજ્યમાં માત્ર 42 નવી સરકારી શાળાઓ શરૂ થઈ. શિક્ષકોની ખાલી જગ્યાઓ છેલ્લાં ત્રણ વર્ષથી સતત વધી રહી છે ! હાલમાં 14,767 શિક્ષકોની ઘટ છે. તેવું એક અહેવાલના આધારે જાણવા મળ્યું છે.