Mysamachar.in-ગાંધીનગર:
નવી સરકારની રચના બાદ એક બાદ એક વિભાગો હવે એક્શન મોડમાં આવશે એવામાં રાજ્યના શિક્ષણ વિભાગનો એક નિર્ણય સામે આવ્યો છે, અત્યારસુધી રાજ્યની માધ્યમિક શાળાઓનું મુલ્યાંકન થતું જે હવે એટલે કે આ વર્ષથી રાજ્યની પ્રાથમિક શાળાઓનુ પણ મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે સર્વ શિક્ષા દ્વારા તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે અત્યાર સુધી માત્ર માધ્યમિક શાળાનું જ મૂલ્યાંકન થતું હતું. હવે પ્રાથમિક શાળાઓનું પણ મુલ્યાંકન થશે,.
રાજ્યની 32940 સરકારી પ્રાથમિક શાળાઓ જયારે 1865 માધ્યમિક શાળાઓમાં NIEPA નવી દિલ્હીની ગાઈડલાઈન્સ મુજબ શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત 100 % શાળાઓમાં સ્વ મુલ્યાંકન અને અને બાહ્ય મૂલ્યાંકન થશે. સર્વ શિક્ષા દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાનું મૂલ્યાંકન કરવા માટે તમામ જિલ્લાના DEOને સૂચના આપવામાં આવી છે.,
શાળામાં સ્વ-મૂલ્યાંકન એ વાર્ષિક પ્રક્રિયા છે. જ્યારે બાહ્ય-મૂલ્યાંકન ત્રણ વર્ષમાં એકવાર દરેક શાળામાં થાય છે. શાળા સિદ્ધિ કાર્યક્રમ અંતર્ગત બાહ્ય મૂલ્યાંકન માટેનો સમય અને તારીખ શાળા સાથે પરામર્શ કરીને નક્કી કરવામાં આવે છે. શાળામાં બાહ્ય-મૂલ્યાંકન કરનારા મૂલ્યાંકનકારો શાળા બહારના તેમજ શિક્ષણ જગતમાં સમાવિષ્ટ હોય તેવા તજજ્ઞો હોય છે. બાહ્ય મૂલ્યાંકન માટેની ટીમની રચના રાજ્ય/જિલ્લા કક્ષાએથી કરવામાં આવે છે. તેઓ શાળા સુધારણા અને વિદ્યાર્થીઓના પ્રદર્શન બાબતે સહાયરૂપ થાય છે.