Mysamachar.in-ગાંધીનગર:
લોકપ્રતિનિધિઓ તરીકે કેવાં પ્રકારના ઉમેદવારો હોવા જોઈએ ? એ અંગે ગમે તેટલી વાતો થતી રહે, રાજકીય પક્ષો દ્વારા ચોક્કસ પ્રકારના ઉમેદવારોને મતદારો સમક્ષ પસંદગી માટે મૂકવામાં આવે, જેમાં મતદારો પાસે પસંદગીની તક જ નથી હોતી ! કાણાં મામાઓ પસંદ કરવા મતદારોની મજબૂરી બની ગઈ હોય, એવું ચિત્ર ઉપસી રહ્યું છે.
તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં જે 182 ધારાસભ્યોને મતદારોએ પસંદ કર્યા છે તે પૈકી 29 ધારાસભ્યો પર હત્યા પ્રયાસના ગુન્હાઓ સહિતના ગંભીર ગુન્હાઓ નોંધાયેલા હોવાનું ADR રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટ કહે છે: ગત્ વિધાનસભાની સરખામણીમાં આ વખતે કરોડપતિઓની સંખ્યા વધુ છે. 182માંથી 151 ધારાસભ્યો કરોડપતિ છે. શિક્ષણ પ્રત્યે પણ મતદારોને ખાસ લગાવ નથી. અને, અભણો રાજકીય પક્ષોને વધુ ફાવે છે ! 182 પૈકી 86 ધારાસભ્યો એવા છે જેઓએ ધોરણ 5 થી 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ટૂંકમાં, તેઓએ ભણવાના સમયે અન્ય કોઈ પ્રવૃત્તિઓને વધુ મહત્વની લેખી હશે ! અને, ભણ્યા વિના તેઓ કરોડપતિ પણ બની ગયા અને ધારાસભ્ય પણ બની ગયા ! આ સ્થિતિમાં ભણવા પર ધ્યાન આપતાં છાત્રોના માનસ પર કેવી અસરો થશે ?! એ પણ સંશોધનનો વિષય લેખાવી શકાય !
ADR રિપોર્ટ અનુસાર, BJPના 26, કોન્ગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 2, અપક્ષ 2 અને સમાજવાદી પાર્ટીના 1 ધારાસભ્ય વિરુદ્ધ ગુન્હાઓ નોંધાયેલા છે. કુલ 40 ધારાસભ્યો ” દાગી” જાહેર થયેલાં છે. ચૂંટણી સુધારાઓની દિશામાં આગળ વધવામાં એક પણ રાજકીય પક્ષને દિલચસ્પી નથી. અને, મતદારો પક્ષો પાસે આવી કોઈ અપેક્ષાઓ પણ નથી રાખતાં !!