Mysamachar.in-ગાંધીનગર:
આજે, અત્યારે રાજ્યનાં નવા મુખ્યમંત્રી (ધારાસભ્યદળનાં નેતા) તરીકે ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત થઈ ચૂકી છે. તેઓ પોતાના મંત્રીમંડળનાં સાથીદારો સાથે આગામી સોમવારે મુખ્યમંત્રીપદના શપથ લેશે. શપથવિધિ સમારોહ ગાંધીનગરમાં યોજાશે, જે એક ભવ્ય અને મેગા ઇવેન્ટ હશે. જેમાં વડાપ્રધાન સહિતનાં સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ધારાસભ્યદળનાં નેતા એટલે કે, આગામી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનાં નામની જાહેરાત પૂર્વે આજે સવારે ભાજપાની કોર કમિટીની બેઠક કમલમ ખાતે યોજવામાં આવી હતી જેમાં કેન્દ્રીય નિરીક્ષકો રાજનાથસિંહ, અર્જુનસિંહ મુંડા તથા યેદિયુરપ્પા ઉપસ્થિત રહ્યા હતાં અને આ બેઠકમાં કોર કમિટીના સભ્યો કાર્યકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પટેલ તથા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વગેરે હાજર રહ્યા હતાં. આ બેઠકમાં મુખ્યમંત્રીનાં નામની ચર્ચા અને પરામર્શ થયો હતો.
ત્યારબાદ કેન્દ્રીય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ધારાસભ્યદળની બેઠક મળી હતી. જેમાં પૂર્વ સિનિયર મંત્રી રમણ વોરાએ કાર્યકારી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત સન્માન કર્યું હતું. તે પછી એક લીટીમાં પૂર્વ નાણામંત્રી-સિનિયર નેતા કનુ દેસાઇએ મૃદુ છતાં મક્કમ ભૂપેન્દ્ર પટેલનાં નામનો ધારાસભ્યદળનાં નેતા તરીકે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને ટેકો આપનાર તરીકે રમણ પાટકર, શંકર ચૌધરી, પૂર્ણેશ મોદી તથા મનિષા વકીલના નામો જાહેર થયાં હતાં. અને બાદમાં, તમામ 156 ધારાસભ્યોએ મુખ્યમંત્રીનાં જાહેર થયેલાં નામને વધાવી લીધું હતું.
આજે બપોરે બે વાગ્યે કાર્યકારી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ રાજભવન ખાતે રાજ્યપાલની મુલાકાત લેશે અને સરકાર રચવા અંગેની વિગતો આપશે તથા સરકાર રચવાની મંજૂરી માંગશે તેમજ શપથ લેવડાવવા માટે સોમવારે રાજ્યપાલ ઉપસ્થિત રહે તે બાબતે વિધિવત નિમંત્રણ પાઠવશે. આજે સાંજે ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તેઓ વડાપ્રધાન સહિતનાં મોવડીમંડળને મળશે અને ગુજરાતનાં આગામી મંત્રીમંડળની રચના અંગે તેઓનું માર્ગદર્શન મેળવશે.
સોમવારે બપોરે ચાર વાગ્યે ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત શપથ લેવડાવશે. મુખ્યમંત્રી સાથે 15-17 મંત્રીઓ પણ શપથ લેશે એવું જાહેર થયું છે. અગાઉ એમ કહેવાતું હતું કે, મુખ્યમંત્રી સાથે 25 મંત્રીઓ પણ શપથ લેશે. આ શપથવિધિ સમારોહ ગાંધીનગરમાં હેલિપેડ મેદાનમાં યોજાશે જેમાં વડાપ્રધાન સહિતનાં મહાનુભાવો ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમગ્ર સમારોહ એક ભવ્ય અને મેગા ઇવેન્ટ તરીકે આયોજિત કરવા માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીમંડળમાં કોનો કોનો સમાવેશ થશે ? એ પ્રશ્ન હાલ અનુત્તર છે. કેમ કે, આજે સાંજે કાર્યકારી મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ દિલ્હી જવા રવાના થશે, જ્યાં બધું ફાઈનલ થશે એમ માનવામાં આવી રહ્યું છે.