Mysamachar.in-ગાંધીનગર:
આપણો સૌનો અનુભવ એવો છે કે, સરકારી વિભાગોમાં કોઈ પણ કાગળને એક ટેબલ પરથી બાજુનાં જ અન્ય ટેબલ પર પહોંચતા દિવસો, અને ક્યારેક તો સપ્તાહો કે મહિનાઓ નીકળી જતાં હોય છે ! આ સ્થિતિમાં સરકારનો નવો પરિપત્ર અરજદારો માટે વધુ સમસ્યાઓ પેદાં કરનારો બની રહેશે, એવું અભ્યાસુઓ જણાવી રહ્યા છે ! ગુજરાત સરકારનાં નાણાં વિભાગે બજેટની તૈયારીઓના અનુસંધાનમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે. જે પરિપત્ર દરેક વિભાગને મોકલવામાં આવ્યો છે. પરિપત્રમાં સરકારે કરકસરની વાત કરી છે. કરકસર કેવી રીતે કરવામાં આવશે ?! વાંચો અહીં….
પરિપત્રમાં જણાવાયું છે કે, સરકારી વિભાગોમાં નવી જગ્યાઓને મંજૂરી આપવાની નહીં. અને, દરેક વિભાગે મહેકમ ઘટાડવાનું રહેશે ! અત્રે નોંધનીય છે કે, વિભાગોમાં કામગીરી વધતાં સરકારે નિયમો અનુસાર, સમયાંતરે મહેકમ વધારવાનું હોય છે, અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા વધારવાની હોય, તેને બદલે મહેકમ ઘટાડી સરકાર અરજદારોને વધુ ટલ્લે ચડાવવા ઈચ્છે છે ?! લોકોની હાલાકીઓનો અત્યારે પણ કોઈ પાર નથી. કામોમાં અક્ષમ્ય વિલંબો જોવા મળી રહ્યા છે. લોકો પરેશાન છે. વિલંબ ટાળવા લાંચ રૂશ્વતને પણ ઉત્તેજન મળતું હોય છે ! આ સંદર્ભમાં નવો પરિપત્ર કેવી વિપરીત પરિસ્થિતિઓ સર્જશે ?! તે કલ્પના પણ બિહામણી પૂરવાર થઈ શકે !
આ ઉપરાંત પરિપત્ર કહે છે: ચોથા વર્ગના કર્મચારીઓની કામગીરીઓ આઉટસોર્સને તબદિલ કરો. નવી ભરતીની જરૂર નથી. સરકારી વિભાગોએ નવા વાહનો પણ ખરીદવા નહીં, વાહનો ભાડે લેવાનો વિકલ્પ અપનાવવાનો રહેશે ! ટૂંકમાં, સરકાર વિવિધ વિભાગોમાં નાણાંકીય બોજ ઘટાડી કરકસર કરવા ઇચ્છે છે. આમ થવાથી લાખ્ખો અરજદારોની તકલીફો વધી જશે ! તેનું શું ?! આ પ્રશ્ન નાણાવિભાગના બાબુઓએ વિચાર્યો જ નહીં.