Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. નોકરી ભરતીમાં છૂટછાટ અંગેના આ નિર્ણયને કારણે રાજ્યમાં લાખ્ખો યુવાઓને વધારાનો લાભ મળશે. સરકારી ભરતીમાં ઉપલી વયમર્યાદા અંગે કોવિડસમય દરમિયાન નોકરી ઇચ્છુકોને છૂટછાટ આપવામાં આવી હતી. આ છૂટછાટની મુદ્ત લંબાવવામાં આવી છે. કોવિડ સમયે એવી છૂટછાટ આપવામાં આવી હતી કે, સરકારી ભરતીમાં ઉપલી વયમર્યાદામાં ઉમેદવારોને એક વર્ષની છૂટછાટ આપવામાં આવશે. જે તે સમયે ભરતીઓ પાછી ઠેલાતા આ છૂટછાટ આપવામાં આવેલી. હવે સરકારે જાહેર કર્યું છે કે, આ છૂટછાટ વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. 1 સપ્ટેમ્બર, 2022 થી 31 ઓક્ટોબર, 2023 સુધી આ છૂટછાટ મુદ્ત વધારાનો લાભ ઉમેદવારો સરકારી ભરતીમાં પ્રાપ્ત કરી શકશે. સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.