Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના રસ્તાઓનું સમારકામ કરી સ્થિતિ પુર્વવત કરવાનો આદેશ મુખ્યંમંત્રીએ કર્યો છે, આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને માર્ગ મરામતને લઈને ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરઓ તેમજ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરઓને ત્વરીત કામગીરી કરવા આદેશ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ કામગીરી પર સતત જાત નિરિક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં જ માર્ગ મરામતના કામો હાથ ધરાય અને નવરાત્રી સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવી સ્પષ્ટ સુચના આપી હતી.