Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા-01/01/2022 ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે, આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ નિયત કરવામાં આવ્યું છે, મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી અંદાજે કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે, મુખ્યમંત્રી તા1/1/2022ની અસરથી આપવાના થતા મોંઘવારી ભથ્થામાં આ 3 ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે, તદઅનુસાર જાન્યુઆરીથી માર્ચના તફાવતની રકમનો પ્રથમ હપ્તો ઑગસ્ટ 2022 ના પગાર સાથે તેમજ એપ્રિલ થી જૂનના તફાવતની રકમ સેપ્ટેમ્બર 2022 પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકોટબર-2022 ના પગાર સાથે ચૂકવવામાં આવશે, મોંઘવારી ભથ્થાના આ વધારાના પરિણામે રાજ્ય સરકારને અંદાજે વાર્ષિક રૂપિયા 1400 કરોડનું નાણાકીય ભારણ વધશે.
-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 76 માં સ્વાતંત્ર્ય પર્વ અવસરે કેરેલી મહત્વપૂર્ણ જાહેરાતો
-રાજ્યના બધાજ 250 તાલુકાના 71 લાખ NFSA કાર્ડ ધારકોને રાહત દરે પ્રતિ માસ કાર્ડ દીઠ 1 કિલો ચણા આપવામાં આવશે. અત્યારે માત્ર 50 વિકાસશીલ તાલુકાને લાભ મળે છે, તેનો વ્યાપ વધશે
-રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સમાવવા માટેના હાલના પાત્રતાના ધોરણોમાં હાલની આવક મર્યાદા રૂ. 10,000 પ્રતિ માસમાં વધારો કરીને રૂ. 15,000 કરવામાં આવશે
-રાજ્યમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઝીરો એર પોલ્યુશન ધરાવતી ઇલેક્ટ્રીક બસ દ્વારકા, અંબાજી, સ્ટેચ્યુ ઓફ યુનિટિ જેવા આઇકોનિક રૂટ પર સંચાલનમાં મુકાશે.
-રાજ્યના નાગરિકોની પરિવહન સુવિધા માટે આગામી સમયમાં રૂ. 367 કરોડના ખર્ચે નવી 1200 BS-6 બસ સેવામાં મુકવામાં આવશે.
-રાજ્યના 50 બસ મથકોએ નાગરિક સુવિધા માટે ATM મુકવામાં આવશે.
-વર્લ્ડ બેંકની સહાયતાથી એનકોર પ્રોજેક્ટ અન્વયે ખંભાતના અખાતને મળતી નદીઓના એસ્ચ્યુરિઝના પાણીની ગુણવત્તા ચકાસણી, રિઅલ ટાઇમ કોસ્ટલ વોટર મોનિટરીંગ સિસ્ટમ જેવા આધુનિક સાધનોથી કરવામાં આવશે.
-એકતાનગર-કેવડીયા કોલોનીમાં ટ્રોમા સેન્ટરની સુવિધા સાથે ૫૦ બેડની જિલ્લા કક્ષાની નવી આધુનિક હોસ્પિટલ માટે ૩ કરોડ રૂપિયા ફાળવ્યા છે.