Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે, સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે.આ સુધારાને પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 1000 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે, એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં. એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના 4.90 ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત 300 રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.
રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ-36 તથા મહેસૂલ વિભાગ/સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવા પાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં.7માં કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે, નવી શરતની/સાંથણની/ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી(રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર.,એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં,
ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે તલાટી દ્વારા ગ્રામ્ય/શહેરી વિસ્તારનાં મકાન, ફ્લેટ, દુકાનો, ઓફિસોનાં પેઢીનામાં કરવા બાબતે લોકોને સરળતા કરી આપી છે, વ્યક્તિનું અવસાન રહેણાંક/વતનના સ્થળ સિવાય અન્ય સ્થળે થાય ત્યારે મૃતકના સ્થાયી રહેઠાણ અથવા વતનના સ્થળના તલાટી દ્વારા પેઢીનામું બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.આ ઉપરાંત ખેતીની જમીન બિનખેતી થયા બાદ, પ્રોપર્ટી કાર્ડ ન બનેલ હોય તેવા કિસ્સામાં બિનખેતીનો હુકમ રજૂ કરીને પ્રોપર્ટી કાર્ડ બનાવવાનો અને તેમાં ઉત્તરોત્તર ફેરફાર નોંધ કરી શકાશે તેવો જનહિતલક્ષી નિર્ણય પણ તેમણે કર્યો છે,
ખેતીની જમીનના હક્ક દાવા સંદર્ભે બિનજરૂરી ટાઈટલનો વિવાદ ટાળવા, આવા દાવા સંદર્ભે કોઈ સ્ટે-ઓર્ડર ન હોય ત્યારે, પડતર દાવા(લીસ પેન્ડેન્સી)ની નોંધ ગામ નમૂના-7માં નોંધ ન કરવા અને સબરજિસ્ટ્રાર દ્વારા લીસ પેન્ડેન્સીનું રજિસ્ટ્રેશન ન કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત સિટી સર્વે રેકોર્ડ, હક્કચોક્કસી, પ્રમોલગેશન ક્ષતિ સુધારણાની મુદ્દત, 31/12/2023 સુધી લંબાવવાનો નિર્ણય તેમણે કર્યો છે.મુખ્યમંત્રીએ હિસ્સા માપણીના પેચીદા પ્રશ્નોનું નિરાકરણ લાવવા જમીનના પેટાવિભાગ અર્થાત્ હિસ્સા માપણીના કિસ્સામાં સહકબ્જેદારો વચ્ચે જ્યારે સહમતિ સધાતી ન હોય તેવા કિસ્સામાં હિત ધરાવતા પક્ષકારોને બે વખત દસ-દસ દિવસની નોટિસ આપ્યા બાદ પણ જો કોઈ પક્ષકાર સંમત ન થાય, તો સર્વે નંબરની હિસ્સામાપણી કરી આપવાનો નિર્ણય કર્યો છે,
.
ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના સીમતળના વાડા નિયત કિંમત વસૂલીને નિયમિત કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય પણ કર્યો છે.આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારના આશરે પાંચથી છ લાખ લોકોને તેમ જ શહેરી વિસ્તારના બહોળા વર્ગને મોટો લાભ થશે, મુખ્યમંત્રીએ મહેસુલી સેવાઓમાં સુશાસનનો અભિગમ અપનાવતા અન્ય પણ બે મહત્વના નિર્ણયો કર્યા છે. તદઅનુસાર, ગણોતધારાની કલમ 43/63ની મંજૂરી બાદ એન.એ બિનખેતી પરવાનગીની સમયમર્યાદા બે વર્ષથી વધારીને પાંચ વર્ષ તથા બિનખેતી ઉપયોગ કરવાની સમયમર્યાદા દૂર કરવાનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલે કર્યો છે, આ ઉપરાંત ગણોત કાયદાની 32 એમ હેઠળ ખરીદ કિંમત ભરવાની મર્યાદા તા. 31/12/2024 સુધી લંબાવવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સુધારાત્મક અભિગમ સાથે મહેસૂલી પ્રક્રિયાના સરળીકરણને પ્રાથમિકતા આપી છે.આ આગવી પહેલથી જનસામાન્ય માટે મહેસૂલી સેવાઓ વધુ સુલભ બનશે અને ગુડ ગવર્નન્સની દિશામાં ગુજરાત વધુ અગ્રેસર બનશે.