Mysamachar.in-ગાંધીનગર:
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે SEOC- ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું હતું કે રાજ્યમાં ભરૂચ, છોટાઉદેપુર,નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુ વરસાદવાળા જિલ્લામાં બચાવ કામગીરી માટે NDRF અને SDRFની કુલ 18-18 ટીમો તહેનાત છે. તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ અનુસાર આ ટીમો સત્વરે પહોંચી પોતાની કામગીરી કરી રહી છે.
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે તેમ જણાવતાં મંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિવસ દરમિયાન સતત સમીક્ષા કરીને વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપી રહ્યાં છે. આ ઉપરાંત મંત્રીમંડળના સભ્યો પોતાના વિસ્તારના વહીવટીતંત્ર અને નાગરિકો સાથે સતત મોનીટરીંગ કરી રહ્યાં છે. વહીવટીતંત્ર દ્વારા આણંદ, દેવભૂમિદ્વારકા, કચ્છ, પોરબંદર, છોટાઉદેપુર, તાપી,નવસારી, વલસાડ, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી કુલ 10,674 નાગરિકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જેમાંથી 6853 નાગરિકો સ્વગૃહે પરત ફર્યા છે જ્યારે અંદાજે 3821 આશ્રયસ્થાનમાં આશ્રય લઇ રહ્યા છે. આશ્રયસ્થાન ઉપર વહીવટીતંત્ર દ્વારા પૂરતા પ્રમાણમાં ભોજન-પાણી સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. વધુ વરસાદવાળા પાંચ જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં અંદાજે ૫૦૮ નાગરિકોના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે તા. 1 જૂનથી અત્યાર સુધી કુલ 25 મકાનોને અને 11 ઝૂંપડાઓને નુકસાન થયું છે. રાજ્યમાં તારીખ 1 જૂનથી અત્યાર સુધી કુલ 63 માનવ મૃત્યુ થયા છે જેમાં સૌથી વધુ 33 વીજળી પડવાથી, આઠ દિવાલ પડવાથી, 16 પાણીમાં ડૂબવાથી, પાંચ ઝાડ પડવાથી અને એક માનવ મૃત્યુ વીજળીનો થાંભલો પડી જવાથી થયું છે.
તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે 272 પશુઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં વધુ વરસાદથી જાનહાની ન થાય અને નાગરિકોના જીવ ન જોખમાય તે માટે તંત્ર દ્વારા કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા હોય છે, આવી સ્થિતિએ વાહન ચાલકો મનમાની ન કરે અને તંત્રને સાથ સહકાર આપે તેવી મહેસુલ મંત્રીએ નાગરિકોને અપીલ કરી હતી.