Mysamachar.in-ગાંધીનગર:
વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. બિન અનુદાનિત ખાનગી શાળાઓના મામલે વિધાર્થીઓ તેમજ વાલીઓના હીતમાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓ હવેથી વિધાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા ઉપર દબાણ નહીં કરી શકે.અને જો આવું કરે તો શિક્ષણાધિકારીને વાલીઓએ ફરિયાદ કરવા આગળ આવવું જોઈએ.,જો કે શાળાથી ડર્યા વિના વાલીઓએ પણ ફરિયાદ કરવા આગળ આવવું પડશે નહિતર આ પ્રક્રિયા યથાવત રહેશે.
ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીને દાખલ કર્યા બાદ દરેક વાલીની એક ફરિયાદ રહેતી હોય છે કે, ઉંચી ફી ચુકવ્યા બાદ પણ ખાનગી શાળાઓ લૂંટ બંધ નથી કરતી. ડ્રેસ, સ્ટેશનરી, બુટ, પુસ્તકો, અને અન્ય ઘણી જરૂરી સામગ્રી શાળાઓ કોઇ ચોક્કસ દુકાન અથવા તો દુકાનોમાંથી જ લેવા માટેનો આગ્રહ રાખતા હતા. જેના કારણે આ દુકાનદારો પણ વાલીની મજબુરી સમજીને કોઇ પણ વસ્તુનાં બે કે ત્રણ ગણા ભાવ વસુલતી હોય છે. જો કે હવે સરકાર દ્વારા આ અંગે પણ નિયમન લાવી દેવામાં આવ્યું છે. ફી મુદ્દે ખાનગી શાળાઓ પર ગાળીયો કસ્યા બાદ સરકારે હવે ખાનગી શાળાઓ જે પાછળના દરવાજેથી કમાણી કરે છે તેના પર પણ લગામ લગાવી દીધી છે. જો આવું કરતા શાળા ઝડપાશે તો દંડની જોગવાઇ પણ કરી છે. જો કે વાલીઓએ પણ આ મામલે જાગૃત થવું પડશે નહિતર આ લુંટનો સિલસિલો યથાવત જ રહેશે,
વિદ્યાર્થીઓને ગણવેશ, બુટ, પુસ્તક, સાહિત્ય અને સ્ટેશનરીની વસ્તુઓ કોઇ ચોક્કસ દુકાનેથી જ ખરીદવા માટે શાળાઓ દ્વારા દબાણ કરાતું હતું તે હવે નહી કરી શકાય. આ પ્રકારનું દબાણ કરવું હવે દંડનીય ગુનો બની ચુક્યો છે. અનિયમિતતા આચરી ખાનગી શાળાઓ સામે પહેલીવારમાં 10 હજાર ત્યાર બાદનાં દરેક કિસ્સામાં 25 હજાર રૂપિયાનો દંડ વસુલવા માટેની જોગવાઇ સરકાર દ્વારા કરવામાં આવી છે. જો કે 5 વખતથી વધુ વખત ફરિયાદ મળશે તો શાળા અને તેની સંસ્થાની માન્યતા રદ્દ કરવામાં આવશે.
વિદ્યાર્થી તથા તેના વાલીઓને ચોક્કસ સંસ્થા કે એજન્સી પાસેથી જ મટિરિયલ કે કોઇ ચોક્કસ કંપનીનું મટિરિયલ ખરીદવા માટે મજબુર નહી કરી શકાય. આ અંગે જો કોઇ પણ શાળા દબાણ કરે તો તમે જિલ્લાના શિક્ષણાધિકારીને પણ ફરિયાદ કરી શકો છો. જિલ્લા શિક્ષણાધિકારીએ આવી ફરિયાદ મળ્યાના કિસ્સામાં પ્રાથમિકતા આપીને તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે જોવાનું રહેશે. તેમ છતા પણ ક્યાંય કાચુ કપાતું હોય તેવું લાગે તો સીધો જ શિક્ષણમંત્રીને ફરિયાદ કરવા માટેની જોગવાઇ પણ કરવામાં આવી છે.