My samachar.in:-ગાંધીનગર
રાજ્યમાં અનેકવાર શાળાથી માંડીને સરકારી ભરતી પરીક્ષાઓના પ્રશ્નપત્ર લીક થવાના મામલા પ્રકાશમાં આવ્યા છે.પરંતુ ગતરોજ ભાવનગરની તળાજાની નેસવડ પ્રાથમિક શાળામાં તો પરીક્ષાના પ્રશ્નપત્રો જ ચોરી થઇ ગયાની ફરિયાદ થઇ છે. ધોરણ 6, 7, 8 ના પરીક્ષા પેપર સ્કૂલમાંથી ચોરાયા છે. જેના કારણે, રાજ્યભરમાં ધો 7ની પરીક્ષાના બે પેપર રદ કરવામાં આવ્યા છે.હવે આ ઘટના બાદ ગતરોજ શિક્ષણ વિભાગના ડીરેક્ટર દ્વારા એક આશ્ચર્ય પમાડે તેવો પત્ર રાજ્યના તમામ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ શાશનાધિકારીને કર્યો છે, જેને લઈને ભારે આશ્ચર્ય ફેલાયુ છે.જેને લઈને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્કાંત ખાખરીયા દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે..
શિક્ષણ વિભાગ દ્વારા જે પત્ર કરવામાં આવ્યો તેમાં લખવામાં આવ્યું છે કે “તમામ મુખ્યશિક્ષકશ્રીઓને સુચના આપવી કે હાલ તેઓ પાસે જે પ્રશ્નપત્રોના સીલબંધ પેકેટ ઉપલબ્ધ છે, તે શાળામાં રાખવાને બદલે પોતના નિવાસસ્થાને રાખવા અને જે દિવસ જે વિષયની પરીક્ષા હોય તે વિષયના પ્રશ્નપત્રના સીલબંધ પેકેટ શાળાએ લઇ જવાના રહેશે” તો જો સચિવાલયમાંથી કોઈ ફાઈલ ગેરવલ્લે થઇ જાય તો બાકીની ફાઈલો સચિવો પોતાના ઘરે લઇ જશે…? શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનો અયોગ્ય અને ઉતાવળથી લેવાયેલા હોવાનું ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘનું માનવુ છે.જેને લઈને યાદી જાહેર કરવામાં આવી છે તેમાં..
– જો પ્રાથમિક શાળાના પ્રશ્નપત્રો મુખ્ય શિક્ષક કે આચાર્ય પોતાના ઘરે લઈ જાય પરિક્ષા પૂર્વે ઘરેથી લઈને નિકળે તે બાબત યોગ્ય જણાતી નથી કેમ કે મુખ્ય શિક્ષકને પણ આકસ્મિક સંજોગો ઉભા થવાની શકયતા રહેલી છે. આ સંજોગોમાં સમગ્ર શાળાના બાળકો અને અન્ય શિક્ષકો માટે મૂશ્કેલી ઉભી થઈ શકે છે.
-પરિક્ષા શરૂ થતા પૂર્વે પ્રશ્નપત્રનાં સિલબંધ કવર કલસ્ટર કક્ષાએથી લેવાના હોય પરંતુ પરિક્ષા લેવાનું સ્થળ અને કલસ્ટર વચ્ચે જયારે વધુ અંતર હોય ત્યારે આ વ્યવસ્થા પણ તંત્ર માટે તેમજ મુખ્ય શિક્ષક માટે હેરાનગતીરૂપ અને અવ્યવહારૂ જણાઈ આવે છે.
-RTE એકટ મુજબ પ્રાથમિક શાળાઓમાં લેવાતી પરિક્ષા એ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનનો હિસ્સો છે. આ પરિક્ષાના આધારે માત્ર બાળકના ગ્રેડ નકકી થાય છે. કોઈ પણ બાળકને સ્થગિત કરવામાં આવતા નથી.
ઉપરોકત તમામ સ્થિતિમાં કોઈ એકાદ આકસ્મિક ઘટનાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલ આ નિર્ણય ઉપર શિક્ષણ વિભાગ દ્વારા પુનઃ વિચારણા કરવી જોઈએ તેમજ જરૂરિયાત જણાય તો અગાઉની જેમ જે તે જિલ્લા કક્ષાએ પ્રશ્નપત્ર તૈયાર કરવાની અને પરિક્ષાઓ લેવાની અગાઉની વ્યવસ્થા ફરીથી શરૂ કરવા પણ વિચારણા કરવી જોઈએ. આથી આવી ઘટનાઓ બને તો તેની અસર અન્ય જિલ્લાઓ કે શહેરોમાં ન પડે.હવે આ મામલે શિક્ષણ વિભાગ પુનઃ વિચારણા કરે છે કે કેમ તે જોવાનું છે.