Mysamachar.in-ગાંધીનગર:
લોકડાઉન બાદ શાળાઓ ફરીથી શરુ થતા શાળામાં બાળકોના મધ્યાહન ભોજનને લઇને રાજ્ય સરકાર દ્વારા મહત્વની યોજનાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી રાજ્યમાં મધ્યાહન ભોજન આપવાની યોજના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી ગુજરાતની 8 મહાપાલિકા અને 2 નગરપાલિકામાં આ યોજનાની શરુઆત કરવામાં આવી છે.. ગાંધનગરના બોરીજ ગામની પ્રાથમિક શાળામાં જીતુ વાઘાણીના હસ્તે પુનઃ મધ્યાહન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.. એટલે કે હવેથી શહેરની સરકારી શાળાઓમાં બાળકોને બપોરે ભોજન મળતુ થઇ જશે. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, ભુજ, વડોદરા, ગાંધીનગર, નવસારી, સુરતમાં આજે મધ્યાહન યોજનાનો પુનઃ પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ગુરુવારથી તમામ જિલ્લા અને તાલુકાઓમાં આ યોજના શરુ થઇ જશે.
મહત્વનુ છે કે મધ્યાહન ભોજન યોજના હેઠળ ભોજનમાં ખામી હોવાની ઘટના અનેકવાર સામે આવી છે. ઘણી વખત આંગણવાડીઓમાંથી અખાદ્ય અનાજનો જથ્થો પણ મળી આવ્યો છે. ત્યારે આ વખતે આ યોજનાની પુનઃ શરુઆત થતાં જીતુ વાઘાણીએ જાહેરમંચ પરથી વાઘાણીએ અધિકારીઓને જણાવ્યું કે બાળકોને આપવામાં આવતા ભોજનમાં કોઇ ત્રુટિ ન રહેવી જોઇએ. મધ્યાહન ભોજનમાં કોઇ ખામી ન રહે તેની ચિંતા અધિકારીઓ કરે. અને જે અધિકારી ચિંતા નહી કરે એની અમે ચિંતા કરીશું. મધ્યાહન ભોજન યોજનામાં નાની ક્ષતિ પણ સરકાર નહીં ચલાવે તેમ જીતુ વાઘાણીએ અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધુ હતું.મહત્વનું છે કે ભૂતકાળમાં મધ્યાહન ભોજનને લઈને કેટલીય ફરિયાદો અને આંખ ઉઘાડતાં મામલાઓ સામે આવ્યા છે.