my samachar.in:ગાંધીનગર
પ્રાકૃતિક ખેતી સંદર્ભે વિધાનસભાગૃહમાં લાવવામાં આવેલા સંકલ્પને આવકારી પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં કરવામાં આવતી વિશિષ્ટ કામગીરી અંગે વિસ્તૃતમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, જંતુનાશક દવાઓથી થતી ખેતીને કારણે જમીન ફળદ્રુપતા ગુમાવી રહી છે તેની સાથે સાથે ખેડૂતો દેવામાં પણ ડુબી રહ્યા છે. તો બીજી તરફ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ખર્ચ નહિવત થતુ હોવાથી ખેડૂતોને દેવામાંથી મુક્તિ મળી રહી છે. મંત્રી રાઘવજી પટેલે કહ્યું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન થકી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રયાસોથી ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં બે લાખ જેટલા ખેડૂતો અઢી લાખ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. એક દેશી ગાય હોય તો 30 એકર વિસ્તારમાં ખેતી થઇ શકે છે.
1 દેશી ગાય એક દિવસમાં 11 કિલો છાણ આપે છે જે એક એકર માટે પુરતુ છે. આ પદ્ધતિમાં ખાતરની જરૂર નથી. તેથી જ આ ખેતી પદ્ધતિથી ઉત્પાદન ખર્ચ બિલકુલ નહિવત છે.તેમણે ઉમેર્યું હતું કે, સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં લાવનાર રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ હિમાચલ પ્રદેશમાં આ પદ્ધતિથી પ્રભાવિત થઈને ગુજરાતમાં આ પદ્ધતિને ઝીરો બજેટ નેચરલ ફાર્મિગ દ્વારા આવક વધારવાનો પ્રયાસ કર્યો છે. બાર વર્ષથી પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં લાવીને દેશભરમાં અમલ માટે રાજયપાલએ પ્રયાસ કર્યો છે તે સૌ ખેડૂતો માટે આશિર્વાદરૂપ બની રહેશે. પ્રાકૃતિક ખેતીમાં સૂર્ય શક્તિ, વાયુ શક્તિ અને જીવાણુ શક્તિના સંયોજનથી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન અને મબલખ આવકનો નવતર અભિગમ સૌ ખેડૂતો અપનાવશે તો, ખેડૂતો ચોક્કસ સદ્ધર બનશે. વડાપ્રધાનના ધરતી માતાને ઝેરથી મુક્ત કરવાના આ અભિયાનને સફળ બનાવવા માટે આ પ્રાકૃતિક ખેતી ચોક્કસ મહત્વનું અંગ બની રહેશે.
રાસાયણિક ખાતર અને દવાઓના વધુ પડતા ઉપયોગના કારણે કુદરતી તત્વો જેવાં કે જળ, જમીન અને હવા એ ત્રણેય તત્વોને થયેલા ગંભીર નુકશાનના દુષ્પ્રભાવને નિવારવા માટે “પ્રાકૃતિક ખેતી’ તરફનું પ્રયાણ એ ક્રાંતિકારી પરિવર્તન છે. આ પરિવર્તન ખેડૂતોની સાથોસાથ પ્રકૃતિનું પણ સંરક્ષક બની રહેશે. આજે દેશ અને રાજ્યના હજારો કિસાનો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના આ મહાઅભિયાનનું નેતૃત્વ રાજ્ય સરકારે લીધું છે. પ્રાકૃતિક ખેતીના પ્રચાર-પ્રસાર માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યશાળાના કાર્યક્રમો સમયાંતરે રાખવામાં આવે છે.સમગ્ર વિશ્વ આજે અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. તે પૈકી જળ અને વાયુ પરિવર્તન એ વિશ્વ સામેનો એક મોટો પડકાર છે. પ્રકૃતિ સાથે છેડછાડ કરવાના કારણે સમગ્ર વાતાવરણ પ્રદૂષિત થયું છે. આજે શુધ્ધ પાણી, શુધ્ધ હવા કે શુધ્ધ ખોરાક મેળવવા અશક્ય બની ગયેલ છે ત્યારે આપણા માટે કુદરત તરફ પાછા વળવાનો સમય આવી ગયો છે. ખેડૂતો રાત-દિવસ મહેનત કરી અન્ન પેદા કરે છે. પરંતુ આધુનિક રીતે કરવામાં આવતી રાસાયણિક ખેતીમાં વધેલ ખર્ચને કારણે તેને આર્થિક હાડમારી ભોગવવી પડે છે. અનુભવે એ તારણ બહાર આવ્યું છે કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેતી અંગેનો ખર્ચ ઘટવાની સાથે તેમની આવકમાં પણ વધારો થયો છે. તેથી રાસાયણિક ખેતીને તિલાંજલિ આપી,
આપણી પ્રાચીન ઋષિ પરંપરા અનુસાર ગાયના છાણ આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા ખેડૂતોને આગળ લાવવા પ્રશિક્ષિત કરવા જરૂરી છે.આજે કૃષિકારો દ્વારા થતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ અભિશાપ સાબિત થઈ રહ્યો છે. રાસાયણિક કૃષિનું અનન્ય વિકલ્પ પ્રાકૃતિક કૃષિ જ છે. ભારતીય કૃષિ અને વાતાવરણની સંભવિત પ્રતિકૂળ પરિસ્થિતિથી બચાવવા માંગતા હોઇએ તો આપણે પ્રાકૃતિક કૃષિ અપનાવવી જ પડશે. આજે રાજ્યની કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વૈજ્ઞાનિકો નૂતન સંશોધન દ્વારા પ્રાકૃતિક કૃષિ વધુ લાભદાયી બનાવવા પ્રયત્નો કરી રહ્યા છે.
રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં પ્રાકૃતિક ખેતીના વિકાસ અને વિસ્તરણ માટે વૈજ્ઞાનિક પધ્ધતિથી સંશોધનો હાથ ધરવામાં આવ્યાં છે. ખેડૂતોને દાહોદ અને દેવાતજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે રાજ્યના દરેક જિલ્લામાં બજાર વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે સારી જાતના બિયારણોની પસંદગી કરવા માટે માર્ગદર્શન આપીને અદ્યતન માહિતીથી વાકેફ કરવા જરૂરી છે. રાસાયણિક ખાતર અને દવાઓના વધારે પડતા ઉપયોગથી પ્રકૃતિને ખૂબ જ નુકશાન થઇ રહ્યું છે, જેથી હવે તેનું જતન કરવાની ખૂબ તાતી જરૂરિયાત છે. આથી ગુજરાતના ખેડૂતોને રાસાયણિક ખાતર અને દવાઓના ઉપયોગથી જમીનને થતા નુકશાન અંગે સમજ આપી તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય તે માટેના ઘનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.આ સંકલ્પમાં ધારાસભ્યઓએ પોતાના વિચારો રજૂ કરી સમર્થન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી સંદર્ભે લાવવામાં આવેલો બિન સરકારી સંકલ્પ વિધાનસભાગૃહમાં સર્વાનુમતે પસાર કરાયો હતો