Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉચું હોવાના અનેક દાવાઓ કરવામાં આવે છે, પણ દાવાઓમાં દમ કેટલો તે આજે ચાલી રહેલ વિધાનસભા સત્ર દરમિયાન પ્રશ્નના જવાબમાં સામે આવ્યું છે, રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું કે રાજ્યના 17 જિલ્લાઓમાં એક પણ કેળવણી નિરીક્ષક નથી. રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 95 ટકા જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં કેળવણી નિરીક્ષકની 563 જગ્યાઓ ખાલી છે. તો રાજ્યમાં તાલુકા શિક્ષણાધિકારીની 93 જગ્યાઓ ખાલી છે. ભાવનગર જિલ્લામાં 42 કેળવણી નિરીક્ષકોમાંથી માત્ર 1 જગ્યા ભરાયેલ છે. પંચમહાલ, અમરેલી, રાજકોટ, અરવલ્લી અને સાબરકાંઠામાં એકપણ કેળવણી નિરીક્ષક નથી. તો દાહોદ, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરામાં પણ એકપણ કેળવણી નિરીક્ષક નથી. બોટાદ, વલસાડ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ કેળવણી નિરીક્ષક નથી. ડાંગ, સુરત અને નવસારીમાં કેળવણી નિરીક્ષકની જગ્યા ખાલી છે.ગુજરાતમાં સરકારી શાળાનું શિક્ષણ સ્તર કથળ્યું છે. સરકારી શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધર્યું હોવાના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં 700 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.
જામજોધપુર ધારાસભ્ય ચિરાગ કાલરીયાએ પ્રશ્ન પૂછ્યો હતો કે…
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બંધ અને મર્જ કરેલ સરકારી પ્રાથમિક શાળાઓ જામજોધપુરના કોંગી ધારાસભ્યએ ઉઠાવેલ સવાલના જવાબો પણ સામે આવ્યા છે, જેમાં તા.31-12-2021ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં બંધ કરેલ શાળાની સંખ્યા 00 છે અને મર્જ કરેલ શાળાની સંખ્યા 114 છે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બંધ કરેલ શાળાની સંખ્યા 05 છે અને મર્જ કરેલ શાળની સંખ્યા 39 છે.જામનગર જિલ્લામાં બંધ કરેલ કરેલ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 00 છે અને મર્જ કરેલ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 2188 છે તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં બંધ કરેલ શાળાના વિદ્યાર્થીઓ ની સંખ્યા 00 છે અને મર્જ કરેલ શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 283 છે.બાળકોની સંખ્યા ઘટવાના કારણે તથા એક જ કેમ્પસમાં એકથી વધુ શાળા ચાલતી હોવાના કારણે બાળકોના શૈક્ષણિક હિતને ધ્યાને રાખીને શાળા બંધમર્જ કરવામાં આવેલ હોવાનો જવાબ ધારાસભ્ય ચિરાગ કાલરીયાને ગૃહમાં જવાબ આપવામાં આવ્યો છે.