Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે કુલ 249 કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠાના વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ 10 નગરપાલિકાઓ અને 1 મહાનગરપાલિકા માટે સમગ્રતયા જે રૂ. 249 કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ગાંધીધામને 116.54 કરોડ, ગોંડલ માટે 5.82 કરોડ, કેશોદ 11.47, રાપર 3.92 કરોડ, જેતલપુર-નવાગઢ 25.66 કરોડ, પોરબંદર-છાયા માટે 16.52, કાલાવડ 7.52, ભાણવડ 4.07, ભુજ 41.61, કુતિયાણા 1.16 અને જુનાગઢ મહાનગરપાલિકાના બે ઝોન માટે 14.13 કરોડની રકમનો સમાવેશ થાય છે.
નગરો-મહાનગરોમાં વસતા નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની આ 10 નગરપાલિકાઓ સહિત કુલ 51 નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત 702 કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા-જુદા કામો માટે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે.