Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના જુદા જુદા શહેરોમાં ફાયર વિભાગના લાંચિયા ફાયર ઓફીસર અને ફાયરવિભાગના કર્મચારીઓ ઝડપાઈ રહ્યા છે, ત્યારે આજે પાટનગર ગાંધીનગરમાંથી જ ફાયર ઓફીસર અને વચેટીયો લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ જતા ફાયર વિભાગમાં સોંપો પડી જવા પામ્યો છે, આ કેસના ફરીયાદીએ ગાંધીનગર ગીફ્ટ સીટી ખાતે રેવા-બિલ્ડીંગ તથા રાયસણ ખાતે અંતરીક્ષ- બિલ્ડીંગમાં ફાયર સેફ્ટીનું કામકાજ કરવા સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગરની કચેરીમાંથી પ્લાન મંજુર કરાવવા તથા પ્રિ-એન.ઓ.સી મેળવવા અરજી કરેલ જે અનુસંધાને ફરિયાદીએ મહેશકુમાર રવિદાન મોડ, ફાયર ઓફિસર વર્ગ-2 તથા ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગુજરાત રાજ્યનો કચેરી ખાતે જઈ રૂબરૂમાં સંપર્ક કરતાં ઝડપી NOC મેળવવી હોય તો વ્યવહારના 5 લાખ આપવા પડશે તેમ જણાવેલ…
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ એસીબી સમક્ષ ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતાં ફરિયાદીએ મહેશકુમાર રવિદાન મોડ, ફાયર ઓફિસર વર્ગ-2 તથા ઈન્ચાર્જ ડેપ્યુટી ડાયરેક્ટર, ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગુજરાત રાજ્યને તેઓની કચેરી ખાતે જઈ મળતાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી કમલભાઇ ઈન્દુભાઈ ગઢવી સાથે ઓળખાણ કરાવી લાંચની રકમ કમલભાઇ ઈન્દુભાઈ ગઢવીને આપવાનું જણાવેલ.જેથી ફરિયાદીએ કમલભાઇ ઈન્દુભાઈ ગઢવીને સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસની કચેરી ગાંધીનગરની બહાર પાર્કિંગમાં પોતાની કારમાંથી લાંચની રકમ કાઢી આપતાં બન્ને ઝડપાઈ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી કરી છે.