Mysamachar.in-ગાંધીનગર:
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાતના નિર્માણ માટે ઈ-ગવર્નન્સના માધ્યમ દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પારદર્શી સેવાઓ નાગરિકો માટે ઉપલબ્ધ બનાવી છે. જેના ભાગરૂપે આજે એક વધુ નક્કર કદમ રાજ્ય સરકારે આજથી મહેસૂલી રેકોર્ડના નમુના નં.6, 7/12, 8-અ હવે ઓન-લાઇન ઉપલબ્ધ થશે.રાજય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની ગાઈડલાઈન મુજબ સીટીઝન સેન્ટ્રીક સર્વીસ ક્ષેત્રે ઈ સીલનો ઉપયોગ સૌ પ્રથમ વાર મહેસૂલ વિભાગે શરૂ કર્યો છે.
રાજ્ય સરકારે જનસુખાકારી અને નાગરિકોના જરૂરી મહેસૂલી દસ્તાવેજો સરળતાથી ઉપલબ્ધ બને તે માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8 અની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યકિત ડીજીટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજીટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે જેથી તેની અધિકૃતતાની ખાત્રી ઓન-લાઇન કોઇપણ વ્યકિત સંસ્થા કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસૂલી સેવાઓના દસ્તાવેજો રાજ્યના નાગરિકોને સરળતાથી અને પારદર્શીતાપૂર્વક મળી રહે એ માટે રાજ્ય સરકારે i-ORA પોર્ટલ સહિત અનેકવિધ નવતર આયામો હાથ ધરીને આ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેના પરિણામે રાજ્યના નાગરિકોના સમયની સાથે નાણાંની બચત પણ થઈ રહી છે.