Mysamachar.in-ગાંધીનગર:
અરવલ્લી જીલ્લાના મોડાસાના પ્રાંત અધિકારીની શરમજનક હરકતનો મામલો સાઈબર ક્રાઈમ અમદાવાદ સુધી પહોચ્યા બાદ આ અધિકારીની ધરપકડ કરવામાં આવતા રાજ્યના મહેસુલ વિભાગના અધિકારીઓમાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો અને મહેસુલ મંત્રીએ પણ આ મામલાની ગંભીરતાથી નોંધ લીધી હોવાનું તેમની મીડિયા સાથેની વાતચીત દરમિયાન સામે આવ્યું.ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓ ભ્રષ્ટાચાર તેમજ અધિકારીઓની ગુન્હાહિત વૃત્તિઓ કોઈ પણ કાળે સાંખી લેવાના મૂડમાં નથી. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતાના મહેસૂલ વિભાગમાં ઉઠી રહેલી ફરિયાદો તેમજ અધિકારીઓની ગુનાહિત પ્રવૃત્તિઓને કોઈ કાળે સાંખી લેવાના મૂડમાં નથી.
અરવલ્લીના મોડાસાના પ્રાંત અધિકારી મયંક પટેલની મહિલા કર્મચારીને બિભત્સ ફોટા-વીડિયો મોકલવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. આ ઘટના બાદ મહેસૂલ મંત્રીએ કહ્યું હતું કે, આવા કોઇ મયંક પટેલ બચવાના નથી. મેં વિભાગને સૂચના આપી દીધી હતી અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવશે. માત્ર આ અધિકારી જ નહી પણ ગુનાહિત વૃત્તિ રાખતા કોઇ પણ મહેસૂલી કર્મચારીને છોડવામાં આવશે નહી તેવું પણ તેમણે કહ્યું હતું.
મહત્વનું છે કે મોડાસા પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આક્ષેપ એવો છે કે આ અધિકારી સોશિયલ મીડિયામાં મહિલા સરકારી કર્મચારીને મેસેજ દ્વારા હેરાન કરતો એટલું જ નહી યુવતીઓને બિભત્સ ફોટો મોકલતો, સાયબર બુલિગ અને ધમકી આપવાના કેસમાં પ્રાંત અધિકારીને સાઈબર ક્રાઈમે ધરપકડ કરતા મહેસુલ વિભાગ સહીત ઉચ્ચ અધિકારીઓમાં આ ઘટનાના ઘેર પ્રત્યાઘાતો પડ્યા હતા.