Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં અરજદારોના કામો કરવા માટે અમુક લાંચિયા બાબુઓ જેમાં અધિકારીઓથી માંડીને છેક પટ્ટાવાળા સુધીનો સમાવેશ થાય છે તે કર્મચારીઓ…અરજદારો પાસે લાંચ માંગી રહ્યા છે, છેલ્લા કેટલાક દિવસોમાં આવા કેટલાક લાંચિયાઓ એસીબીને હાથે ઝડપાઈ ચુક્યા છે, ત્યારે આજે આ મામલે રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાજોગ મહત્વની અપીલ કરી છે.રાજેન્દ્ર ત્રિવેદીએ લાંચિયા અધિકારી-કર્મચારીઓને લઇને જનતાને અપીલ કરી છે. રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, કોઇ અધિકારી-કર્મચારી પૈસા માગે તો તમારા ફોનમાં રેકોર્ડ કરી લો…રેકોર્ડિંગ મને મોકલજો અથવા અમારા વિભાગને મોકલજો તાત્કાલિક પગલાં લેવાશે. જનતાને વધુ જાગૃત કરવા અને અધિકારીઑને એક કડક મેસેજ આપવા કાયદા અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય લોકોને મીડિયા થકી આ વિનંતી કરી છે.
વધુમાં આવતીકાલે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બેઠક યોજશે. જેમાં રાજ્યના તમામ કલેક્ટરો-પ્રાંત સાથે બેઠક યોજશે. જે અંગે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે બેઠકમાં મહેસૂલના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે..સરકારના મંત્રીની જાહેરાત બાદ હવે લોકોએ જાગવાનું છે અને કોઈ પણ કામ માટે જો સરકારી અધિકારી કે પછી કોઈ કર્મચારી રૂપિયાની માગણી કરે તો વીડિયો ઉતારી મંત્રીને મોકલવાનો છે. મંત્રીએ ખાતરી આપી છે કે વીડિયોની ખરાઈ કરી તાબડતોબ એક્શન લેવાશે અને દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવશે.