Mysamachar.in-ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-લોકોની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલ-નિવારણની ગતિને વધુ પારદર્શી અને વેગવંતી બનાવવા રાજ્યવ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો સાતમો તબક્કો યોજવાનો જનહિત નિર્ણય કર્યો છે.રાજ્યમાં આ અંતર્ગત તા.22 ઓકટોબર-2021 થી 5 જાન્યુઆરી-2022 સુધીમાં 2500 સેવાસેતુ કાર્યક્રમો યોજાશે, આ નિર્ણય અનુસાર સેવાસેતુ કાર્યક્રમના સાતમા તબક્કામાં દર અઠવાડિયે બે દિવસ એટલે કે શુક્ર અને શનિવારે સવારે-9 થી સાંજે 5 વાગ્યા સુધી સેવાસેતુનું આયોજન કરાશે.આ સેવાસેતુમાં રાજ્ય સરકારના જુદા જુદા 13 વિભાગોની 56 જેટલી સેવાઓ કેમ્પ દરમ્યાન પૂરી પાડવામાં આવશે.
આવા સેવાસેતુ કાર્યક્રમ માટે ગ્રામ્ય કક્ષાએ 6 થી 8 ગામો વચ્ચે એક કેમ્પ તેમજ શહેરી વિસ્તારોમાં મહાનગરોમાં આ સમયગાળામાં 4 થી 10 સેવાસેતુ તથા નગરપાલિકા વિસ્તારોમાં 4 થી 5 વોર્ડનું એક યુનિટ બનાવીને તમામ નગરપાલિકાઓમાં 2 થી 3 સેવાસેતુ કાર્યક્રમો યોજવાનું આયોજન છે. સેવાસેતુ યોજાશે તે કાર્યક્રમ સ્થળે રાજ્ય સરકાર નોટરી, ઝેરોક્ષ, કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, ફોટોગ્રાફી જેવી જરૂરી સુવિધાઓ મળી શકે તેવી વ્યવસ્થાઓ ગોઠવશે. એટલું જ નહિ, સિનીયર સિટીઝન્સ અને દિવ્યાંગ અરજદારો-રજુઆત કર્તાઓ માટે અલાયદી યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે.વધુમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓને પણ આ સેવાસેતુ કાર્યક્રમમાં સહભાગી થવા પ્રેરિત કર્યા છે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્યમાં અત્યાર સુધીમાં સેવાસેતુના 6 સફળ તબક્કાઓના આયોજનથી 2.30 કરોડ લોકોને ઘર આંગણે વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી છે.