Mysamachar.in-ગાંધીનગર
થોડા સમય પૂર્વે રાજકોટમાં એક ઘટના સામે આવી હતી જેમાં બટન સેલ બાળકને નાકમાં ફસાઈ જવાની ઘટના બાદ ગાંધીનગરમાં 3 વર્ષના બાળકના નાકમાં રાખડીમાં રહેલ LED લાઈટનો સેલ ફસાઈ જતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો જો કે ડોકટરે સફળ સર્જરી કરી આ સેલને કાઢી લીધો છે, જાણવા મળતી વિગતો પ્રમાણે ત્રણ વર્ષના બાળકના હાથે બાંધવામા આવેલી LED રાખડીના કારણે બાળક અને તેના પરિવારજનોમાં દોડધામ મચી હતી. કોઈ કારણોસર બાળકે રમતરમતમાં LED રાખડીનો બટન સેલ તેના નાકમાં નાખી દેતા બાળક પર જટિલ સર્જરી કરવાની ફરજ પડી હતી.
રક્ષા બંધનનાં પર્વ નિમિત્તે બાળકોને પ્રિય એવી કાર્ટૂન કેરેક્ટર તેમજ LED લાઈટ વાળી રાખડી કેટલી જોખમીકારક ઘણીવાર નિવડી શકે છે તેના ઉદાહરણરૂપ એક કિસ્સો ગાંધીનગરમાં બનવા પામ્યો હતો.ગાંધીનગરમાં રહેતા જોડિયા ભાઈ બહેનોએ રક્ષા બંધનની ઉજવણી કરી હતી. ત્યારે બન્ને જોડિયા સંતાનોને એક સરખી જ LED લાઈટ વાળી રાખડી બાંધવામાં આવી હતી. ત્યારે લાઈટ વાળી રાખડી હાથે બાંધીને ફરતા જોડિયા ભાઈ બહેન આખો દિવસ મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યારે ત્રણ વર્ષીય બાળકે LED લાઈટનો બટન સેલ નાકમાં નાખી દીધો હતો. જેને કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ બટન સેલ છેક અંદર સુધી ઘૂસી ગયો હતો.જેથી પરિવારની ચિંતા એક તબક્કે વધી જવા પામી હતી.
બાળકના નાકમાં બટન સેલ ફસાઈ ગયો હોવાથી તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તે રડી રહ્યો છે. આથી પરિવારજનો તેને રાત્રિના સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈને દોડયા હતા. જ્યાં તેનો એક્સ રે રિપોર્ટ કરાવતા નાકમાં બટન સેલ ફસાઈ ગયો હોવાનું સ્પષ્ટ થયું હતું.પરંતુ સિવિલમાં તેનું ઓપરેશન બીજા દિવસે શકય બનશે તેવો જવાબ મળતા પરિવારજનો બાળકને લઈને ગાંધીનગરની હાઈટેક હોસ્પિટલ ખાતે મોડી રાત્રે પહોંચી ગયા હતા. જ્યાં ઈએનટી સર્જન ડો. દેવી ગજ્જરે તેને તપાસીને તુરંત ઓપરેશન કરવાનો નિર્ણય લીધો હતો કેમકે બાળકના નાકમાંથી લોહી પણ વહેવા લાગ્યું હતું. અને બાળકને બેભાન કરીને મોડી રાત્રે જટિલ ઓપરેશન કરીને બટન સેલ કાઢી નવ જીવન આપ્યું હતું.