Mysamachar.in:ગાંધીનગર:
છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મહાનગર તેમજ નાના સેન્ટરમાં શરૂ થયેલા પેટશોપ તેમજ બ્રિડિંગ સેન્ટરનું કામ તેજીથી ચાલી રહ્યું છે. નિયમ અને માપદંડ વગર ધમધમતા પેટશોપ માટે રાજ્ય સરકારે હવે પગલાં લેવાનું શરૂ કર્યું છે. રાજ્ય સરકારે ગત વર્ષથી જ પશુ ક્રુરતા અધિનિયમની જાહેરાત કરી છે. જે અંતર્ગત તમામ પેટ શોપ તથા ડોગ બ્રિડિંગ તેમજ માર્કેટિંગ માટે નોંધણી ફરજિયાત હોવા છતાં લોલમલોલ ચાલતી હતી. એક લાંબા સમય બાદ સરકારને યાદ આવ્યું છે કે,નિયમ હોવા છતાં કોઈ પણ એવી સંસ્થાએ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી. તેમ છતાં નાના શહેરથી લઈને મહાનગર સુધી તે ધમધમી રહ્યા છે. જેની સામે હવે આવી સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તૈયારીઓ કરાઈ હોવાનું જાણવા મળે છે,
સંયુક્ત પશુપાલન નિયામકની યાદી અનુસાર ડોગ બ્રિડિંગ અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો તથા વેપારી વર્ગે ગુજરાત રાજ્ય પ્રાણી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવાની રહેશે. આ માટે એક ફોર્મ પણ ભરવાનું રહેશે. રજીસ્ટ્રેશન વગર હવેથી કોઈ પેટશોપ ચલાવી નહીં શકે. આ માટે સરકારે રજીસ્ટ્રેશન ફી રૂ.5000 નક્કી કરી છે. જે ભરવાની રહેશે. આ ફી સાથે નોંધણી કરાવવાની રહેશે. વર્ષ 2020થી આ નોંધણી ફરજિયાત હોવા છતાં રાજ્યમાં આ ક્ષેત્રે કામ કરતા માર્કેટિંગના લોકો, વેપારી વર્ગે પોતાની પેઢીનું કોઈ રીતે રજીસ્ટ્રેશન પણ કરાવ્યું નથી. આ અંગે ટીમ દ્વારા આકસ્મિક રીતે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ટીમ મેળવેલી મંજૂરી રદ્દ કરવા સુધીની સત્તા ધરાવે છે. જોકે, તંત્ર આ મામલે પેટશોપ પર દરોડા પાડશે. રજીસ્ટ્રેશન વગર આ પ્રવૃત્તિઓ કરતા લોકો સામે પેટ શોપ અને ડોગ બ્રીડીંગ એન્ડ માર્કેટિંગ એક્ટ અંતર્ગત કડક કાર્યવાહી કરાશે.