Mysamachar.in-
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગરમાં યોજાયેલી કોર કમિટિમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, રાજ્યના કર્ફ્યુ સિવાયના તમામ વિસ્તારોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. વેક્સિનેશન નહિ લેનાર એકમોને બંધ કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની 8 મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીધામ એમ કુલ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આ 18 શહેરોમાં દુકાનદારો, મોલ, રેસ્ટોરન્ટ, પાર્લર સહિતની વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. વેક્સિનેશન નહિ લેનાર એકમોને બંધ કરવામાં આવશે.
રાત્રી કર્ફ્યુવાળા 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. જયારે લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. જ્યારે અંતિમક્રિયા અને દફનવિધિ પ્રક્રિયામાં 40 લોકોને છૂટ આપવામાં આવી છે. આ સિવાય સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે પબ્લિક ટ્રાન્સપોર્ટ માટેની GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે છૂટ અપાઇ જેની સેવા કર્ફ્યુના સમયમાં પણ 24 કલાક ચાલુ રહેશે. બસોમાં કંડક્ટર-ડ્રાઇવરના સ્ટાફે ફરજિયાત વેક્સિનેશન કરવાનું રહેશે. રાજ્યમાં પાર્ક અને ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. આ અપાયેલી છૂટછાટમાં લોકોએ કોરોના ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન કરીને માસ્ક, સેનેટાઇઝ, સામાજિક અંતર અને મહત્તમ વેક્સિન કરાવવાનું રહેશે જેથી કોરોનાની ત્રીજી લહેરથી આપણે બચી શકીએ. આ નિયમોની અમલવારી આગામી તા. 27 જૂનથી બે સપ્તાહ સુધી રહેશે.
-આ શહેરોને મળી રાત્રી કર્ફ્યુંમાંથી મળી ગઈ મુક્તિ
રાજ્યના કુલ 36 માંથી 18 શહેરોમાં કર્ફ્યુ મુક્તિનો રાજ્ય સરકારનો નિર્ણય છે જેમાં વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વીરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરાનો સમાવેશ થાયછે.