Mysamachar.in-ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વધેલા કોરોના પોજીટીવ કેસોની સંખ્યામાં ખુબ મોટો કહી શકાય તેવો ઘટાડો આવ્યો છે, ત્યારે સરકારે લાગેલા પ્રતિબંધો પરથી હળવા બનાવવામાં આવી રહ્યા છે, આવતીકાલથી વેપારીઓને વધુ હળવા પ્રતિબંધોનો જ અમલ કરવા સાથે ધંધા રોજગાર વધુ કલાકો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા શોપિંગ કોમ્પલેક્ષ હેરકટિંગ સલૂન બ્યુટી પાર્લર માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે,
મુખ્યમંત્રી એ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે, તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો રહેશે.