Mysamachar.in-ગાંધીનગર
ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-12ની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ-12 CBSE પરીક્ષાઓ આ વર્ષે નહિં યોજવાની ગઇકાલ મંગળવારે જાહેરાત કરી છે. જે બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે એમ શિક્ષણ મંત્રીએ ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે, શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, આગામી તા.7 મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે.