Mysamachar.in-ગાંધીનગર:
કોરોનાનો કહેર માંડ રાજ્યમાં ઘટી રહ્યો છે ત્યાં જ મ્યુકર માઈકોસીસના કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેમાં મોતનો રેશિયો ચાલીસ ટકા જેટલો છે, ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી, આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગ ને મહામારી જાહેર કરવામાં આવેલો છે, આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સનું પાલન કરવાનું રહેશે, આ રોગના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકારને સમયાંતરે મોકલવાની રહેશે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકર માઈકોસીસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે.
-જામનગરમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો, જામનગરમાં હાલ 90 દર્દીઓ સારવારમાં
જામનગર જીજી કોવીડ હોસ્પિટલમાં ઉભા કરવામાં આવેલ અલાયદા વોર્ડમાં મ્યુકર માઈકોસીસના હાલ 90 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા છે,અને આ ઇન્ફેકશન ખુબ જ ગંભીર પ્રકારનું હોય છે તેથી આ રોગમાં બચવાના ચાન્સ પણ ખુબ ઓછા હોય છે,માટે જરા પણ શંકા લાગે તો તુરત જ નિષ્ણાત તબીબોની સલાહ લેવી ઉચિત ગણાય છે.
હાલ કોવિડની સાથે સાથે સમગ્ર રાજ્યમાં મ્યુકર માઈકોસીસના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આ રોગના લક્ષણો તથા આ રોગથી બચવા લોકોએ કેવા પગલાં તથા કાળજી લેવી જોઈએ તે અંગે જી.જી.હોસ્પિટલના તજજ્ઞો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.જેમાં
-ઇ.એન.ટી. વિભાગના ડો.નિરલ મોદી જણાવે છે કે મ્યુકર માઈકોસીસમાં કોવિડ હિસ્ટ્રી ધરાવતા દર્દીને માથામાં દુખાવો થવો, નાકમાં દુખાવો થવો અથવા લોહી નીકળવું, ચહેરા પર એક તરફ દુખાવો થવો, દાંત ઢીલા પડી જવા, એક તરફ માથું દુખવું આ બધા પ્રાથમિક લક્ષણો છે. ડાયાબિટીસ, કોવિડના ગંભીર દર્દીઓ તેમજ લાંબા ગાળાની કિડનીની બીમારી હોય તેવા લોકોને મ્યુકર માઈકોસીસ થવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારે તાત્કાલિક નિદાન તથા સારવાર લેવાથી મ્યુકર માઈકોસીસથી થતા નુકસાનથી બચી શકાય છે કારણ કે આ રોગ આંખમાં, નાકમાં કે મગજ સુધી પ્રસરે ત્યારે દર્દી માટે મુશ્કેલીઓ વધી શકે છે. જો કોઈ પણ દર્દીને ઉપર મુજબના કોઈપણ લક્ષણો જણાય તો તેણે તાત્કાલિક નિદાન કરાવવું ખૂબ જ જરૂરી છે.
-આંખ વિભાગના ડો.રાધાએ જણાવ્યું હતું કે, કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકર માઈકોસીસ લક્ષણો જોવા મળે છે. આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ત્યારે જો દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકર માઈકોસીસથી થતા નુકસાનથી બચી શકે છે. આ રોગની સારવાર માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ જી.જી. હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી છે.
-મેડીસીન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ કહ્યું કે મ્યુકર માઈકોસીસને કઈ રીતે અટકાવી શકાય ?
મ્યુકર માઈકોસીસને અટકાવવા અંગે મેડિસિન વિભાગના વડા ડો.મનીષ મહેતાએ જણાવ્યું હતુ કે, આ રોગથી બચવા સુગરને સંતુલીત રાખવું, જરૂર પડે ઈન્સ્યુલીનનો ઉપયોગ કરવો, સ્વચ્છતા રાખવી,બિમારીના લક્ષણો જણાયે તુરંત સારવાર શરૂ કરવી ખુબ જરૂરી છે. આ માટે તજજ્ઞોને અલગથી તાલીમ આપવામાં આવી રહી છે તેમજ જી.જી.હોસ્પિટલની ઈન્ફેકશન કન્ટ્રોલ ટીમ પણ સતત કાર્યરત છે.
-મ્યુકર માઈકોસીસ અંગે જી.જી.હોસ્પિટલ ખાતે કેવી છે તૈયારીઓ ?
જી.જી. હોસ્પિટલ ખાતે મ્યુકર માઈકોસીસની સારવાર માટે કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપતા કોરોના નોડલ ઓફિસર ડો.એસ.એસ.ચેટરજી જણાવે છે કે, જી.જી.હોસ્પિટલમાં મ્યુકર માઈકોસીસના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે જે માટે કોવિડ બિલ્ડિંગમાં અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડ્યે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે.