Mysamachar.in-ગાંધીનગર
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે રાજ્ય સરકારની સહાયથી પ્રથમવાર સંચાલનમાં મુકાનાર પર્યાવરણપ્રિય BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી 1,000 બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનો ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી અને વાહન વ્યવહારમંત્રી આર. સી. ફળદુએ જામનગરથી મધ્યસ્થ કાર્યાલય, અમદાવાદ ખાતેથી નવીન બસોનું ઇ-પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત એસ.ટી.એ લોકોને યાતાયાત મુસાફરી માટે અવિરત સલામત બસ સેવા ઉપલબ્ધ કરાવીને “સારી બસ, સારી સેવા”ના મંત્રને ચરિતાર્થ કર્યો છે. ગુજરાત બજેટમાં 1,000 BS-6 બસોની જોગવાઇ કરાઇ હતી જેમાં પ્રથમ તબક્કામાં આજે 101 બસોને લોકોની સેવામાં માટે કાર્યરત કરાઇ છે.
જ્યારે પર્યાવરણની ચિંતા કરીને બાકીની બસો પણ બનતી ત્વરાએ કાર્યરત કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, લોકડાઉનના કપરા સમયમાં પણ ગુજરાત એસ.ટી. અને તેના કર્મચારીઓ ખૂબ જ ઉત્તમ સેવા બજાવી હતી જે સરાહનીય છે. ગુજરાત એસ.ટી. બસ સેવા નફા-નુકસાનની ચિંતા કર્યા વિના આ સેવા લોકહિતમાં સતત આપતું જ રહેશે. નરોડા ખાતે પણ નવી આધુનિક બસોના નિર્માણની અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેથી આપણી જરૂરિયાત મુજબ નવી S.T. બસ તૈયાર કરી શકીએ.