Mysamachar.in-ગાંધીનગર
રાજ્યમાં જમીન પચાવી પાડવાના વધી રેહલા કિસ્સાઓ બાદ ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અમલી કરવામાં આવ્યો છે, આ કાયદો અમલી બન્યા બાદ અરજદારો જેની જમીન પર કબજો થયો હોય તે અથવા સરકારી જમીનો પર કબજાના કેસોમાં સરકાર તરફે સુઓમોટો કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહી શરુ કરી છે. સમગ્ર રાજ્યમાં ભૂમાફિયાઓ સામે 133 FIR કરવામાં આવી છે. જ્યારે 144 ચાર્જશીટ દાખલ કરીને 317 જેટલા ભૂમાફિયાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં 1384 વિઘા જેટલી જમીન તેમના મુળ માલિકોને પરત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના આક્ષેપોનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ ખેડૂતોને ભોળવીને ખોટા દસ્તાવેજો કરાવીને જમીન પચાવી ન પાડે તે માટે સરકાર લેન્ડ ગ્રેબિંગનો કાયદો લાવી છે અને તેનો અમલ પણ શરુ કરી દીધો છે. આ માટે 2 હજાર રૂપિયાના ટોકન દરથી સ્થાનિક જિલ્લા કક્ષાએ ઉચ્ચકક્ષાની સમિતિને અરજી કરવાની હોય છે તેમજ કલેકટર પણ સુઓ-મોટો કાર્યવાહી કરીને કામગીરી કરી શકે છે. જે માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષપણામાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક અને મ્યુનિસીપલ કમિશ્નરનો સમાવેશ કરતી ઉચ્ચ સમિતિની રચના કરી છે. જે 21 દિવસમાં અરજી અંગે નિર્ણય લઇને FIR કરવા સુચના આપે છે.